સુરત, તા.9: સુરતમાં નજીવી બાબતે હત્યા કરી દેવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ બે હત્યાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. જેમાં ડિંડોલી માનશી રેસીડેન્સી પાસે આવેલા ખુલ્લા મેદાનમાં ગત રાત્રે મિત્રો વચ્ચે થયેલી તકરારમાં બે મિત્રોએ એકને બોથડ પદાર્થ તેમજ ઢીકા પાટુનો માર મારી હત્યા કરી નાખી હતી. જેથી આ મામલે પોલીસને જાણ થતા પોલીસે બે જણા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે બીજા બનાવમાં વરાછા વિસ્તારના કાપોદ્રા ચાર રસ્તા પાસે જૂની અદાવતને પગલે બે જૂથો સામ સામે આવી ગયા હતા. આ અથડામણમાં ચાર શખસોએ મળીને એક યુવકને છરીના ઘા ઝીંકી દેતા યુવકનુ મૃત્યુ નીપજ્યુ હતુ જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થયા છે. બનાવને પગલે જાણ થતા જ કાપોદ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પહેલા
બનાવમાં મુળ ઉત્તરપ્રદેશના જોનપુરનો વતની અને હાલ ડિંડોલી બાબા મેમોરીયલ હોસ્પિટલ રાધાકૃષ્ણનગર
ખાતે રહેતો ઉમાશંકરાસિંઘ રાજ બહાદુરાસિંઘનો ગત રાત્રે ડિંડોલી માનશી રેસીડેન્સી પાસે
આવેલા ખુલ્લા મેદાનમાં કોઇક કારણોસર મિત્ર અંશુ અને દિલ્લુ યાદવ સાથે ઝઘડો થયો હતો.
દરમિયાન ઝઘડામાં દિલ્લુ અને અંશુએ ઉમાશંકરાસિંઘને બોથડ પદાર્થ વડે તેમજ ઢીક્કા મુક્કીનો
માર મારતા ઉમાશંકરાસિંઘનુ મૃત્યુ નીપજ્યુ હતુ. હત્યાના બનાવને પગલે મૃતકની પત્ની રૂચાસિંઘે ગત રાત્રે ડિંડોલી પોલીસ
મથકમાં ગુનો નોંધાવતા પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે
બીજા બનાવમાં કાપોદ્રા ચાર રસ્તા પાસે ગત મોડી રાત્રે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલા ચાલી
થઈ હતી. જેમાં મંગલ ઉર્ફે બારીક યાદવ નામના યુવક અને સામેના પક્ષ વચ્ચે છેલ્લા કેટલાક
સમયથી વેર ચાલતું હતું. જેથી જુની અદાવતને લઈ ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા ચાર યુવકોએ
તારી બહુ ચરબી વધી ગઈ છે તેમ કહી મંગલને શરીરના ભાગે છરીના ઘા ઝિંકી દેતા તે લોહીલુહાણ
હાલતમાં ઢળી પડતા તેનુ મૃત્યુ નીપજ્યુ હતુ. આ મારામારીમાં મંગલને બચાવવા વચ્ચે પડેલા
અન્ય બે મિત્રોને પણ આરોપીઓએ માર માર્યા હતા. જેથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે
સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બનાવ અંગે
જાણ થતા કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સીસીટીવી ફૂટેજ અને હ્યુમન
ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી હાથ ધરી પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓની સુરત શહેરના
અલગ-અલગ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તથા બાકીના બે આરોપીઓને સુરેન્દ્રનગરમાંથી
ઝડપી પાડયા છે. કાપોદ્રા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો
નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.