• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

વડોદરામાં મકાનમાં ગોંધી રાખી સગીરા પર બે શખસનું સામૂહિક દુષ્કર્મ

સગીરાએ દેકારો મચાવતા લોકો એકઠા થઈ ગયા : પોલીસે બે નરાધમની ધરપકડ કરી

વડોદરા, તા.9 : સંસ્કારી નગરી વડોદરામાં 14 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની હચમચાવી દેતી ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો હતો. જો કે, પોલીસે ત્વરીત કાર્યવાહી કરી ગણતરીનાં કલાકોમાં જ બે આરોપીઓને દબોચી લીધા છે.

મળતી વિગતો અનુસાર નવા યાર્ડ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરા ગુરુવારે ઘર પાસે આવેલી દુકાને વસ્તુ લેવા માટે નીકળી હતી. આ દરમિયાન ત્યાં હાજર બે યુવકે સગીરાને વાતોમાં ફોસલાવી હતી અને નજીકનાં એક મકાનમાં લઈ ગયા હતા. નરાધમોએ સગીરાને મકાનમાં ગોંધી રાખી તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો.

સગીરાની બૂમો સાંભળીને આસપાસના રહીશો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન ઘટનાની જાણ પરિવારજનો અને સ્થાનિકોને થતાં સ્થળ પર ભારે હોબાળો મચ્યો હતો. ઉત્તેજનાભરી સ્થિતિ સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પીડિતાને તાત્કાલિક મડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.

બનાવની ગંભીરતાને જોતા જોઇન્ટ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને ત્વરીત કાર્યવાહી કરતા 19 અને 20 વર્ષના બે યુવકને ઝડપી લઈ ધરપકડ કરી છે. હાલ તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક