કાળા નાણાંને બ્લેક એન્ડ વ્હાઇટ કરવાનું નેટવર્ક ચલાવાતું હોવાની શંકા
સુરત, તા. 10 : સુરત આંતરરાષ્ટ્રીય
એરપોર્ટ પરથી બેંગકોક જઈ રહેલા બે યુવકને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ
બાતમીના આધારે અંદાજે રૂ. 6 કરોડની કિંમતના પોલિશ્ડ ડાયમંડ અને રૂ. 30 હજાર અમેરિકન
ડોલર સાથે ઝડપી પાડી તેઓની પૂછપરછ હાથધરી વધુ તપાસ ચાલુ કરી છે.
મળતી માહિતી મુજબ ડીઆરઆઇને બાતમી
મળી હતી કે સુરત એરપોર્ટ પરથી બે યુવક મોટી માત્રામાં કિંમતી હીરા અને વિદેશી ચલણ લઈને
બેંગકોક જવાના છે. જે બાતમી હકીકત આધારે ડીઆરઆઇ દ્વારા સુરત એરપોર્ટ પરિસરમાં વોચ ગોઠવી
બન્ને શંકાસ્પદ યુવકોને ઝડપી તેમની પાસે રહેલી બેગની તલાશી લેતા અંદર છુપાવેલા હીરાના
પેકેટ અને ડોલરની નોટો મળી આવી હતી. જેમાં બન્ને યુવકો પાસેથી 3-3 કરોડના હીરા અને
15-15 હજાર ડોલર જપ્ત કરી બન્ને યુવકોની પૂછપરછ હાથ ધરી છે. આ ડાયમંડનો જથ્થો તેમને
સુરતમાં કોણે આપ્યો હતો અને બેંગકોકમાં તે કોને પહોંચાડવાનો હતા ? તે દિશામાં ડીઆરઆઈ
તપાસ કરી રહી છે. હાલ તો ડીઆરઆઈએ બન્ને યુવકોની ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજૂ કરવાની
પ્રક્રિયા હાથ ધરી છે. આ સમગ્ર કૌભાંડ પાછળ કાળા નાણાંને બ્લેક એન્ડ વ્હાઈટ કરવાનું
મોટું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યુ હોવાની આશંકા છે. સુરતથી ગેરકાયદેસર રીતે હીરા અને
ડોલર વિદેશમાં મોકલીને ત્યાં તેનું વેચાણ કરવામાં આવે છે. બાદ, તે રકમ વિદેશથી ભારતના
બેન્ક ખાતાઓમાં કાયદેસરની આવક તરીકે પરત મોકલવામાં આવે છે. આમ કરવાથી વિદેશી રોકાણ
અથવા નિકાસની આવક બતાવીને કાળા નાણાંને કાયદેસર રીતે બતાવી શકાય છે.