મોરબી, તા.10: મોરબીમાં બે માનસિક અસ્થિર મહિલાઓ સાથે દુષ્કર્મની લાંછનરૂપ ઘટનામાં વિગતો સામે આવી છે. આ હેવાનીયત ભર્યુ કૃત્ય કરનારા બંને નરાધમો સેવાકીય સંસ્થાની પાછળના ભાગે જ કામ કરતા હતા. કામ કરતી વેળાએ તેઓની નજર બગડી હતી અને તેઓએ આ હેવાનીયતની હદ વટાવતી ઘટનાને અંજામ આપ્યો હતો.
આ અંગે વિગતો જાહેર કરતા ડીવાયએસપી
જે.એમ. આલએ જણાવ્યું કે મોરબીમાં તા.7ના રોજ રાત્રીના સમયે એક સંસ્થામાં બે માનસિક
અસ્થિર મહિલાઓ સાથે દુષ્કર્મ થયાની ગંભીર ઘટના સામે આવતા એ ડિવિઝન, એલસીબી અને એસઓજીની
ટીમે તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. પોલીસે દુષ્કર્મ આચરના રાડાયાભાઇ ખાનાભાઇ ચૌહાણ (ઉ.વ.32)
(રહે. નળીયા કારખાનાના રૂમમાં, લીલાપર રોડ, મૂળ લખધીરનગર નવાવાસ) અને હરેશભાઇ જીવાભાઇ
સોલંકી (ઉ.વ.30) (રહે. નળીયા કારખાનાના રૂમમાં, લીલાપર રોડ, મૂળ વાકડા, તા. મોરબી)
બન્ને શખસોને પકડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
આ બન્ને શખસો સંસ્થાની પાછળના
ભાગે જ મજૂરી કામ કરતા હતા. તેઓ રાત્રીના સમયે પાછળના ભાગેથી દીવાલ કુદી બાથરૂમમાં
બાકોરૂં પાડીને રૂમમાં પ્રવેશ્યા હતા. જ્યા તેઓએ બે મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
આ મામલે એ ડિવિઝન પીઆઇ પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે. અને રિમાન્ડ મેળવવાની તજવીજ
હાથ ધરાઇ છે.