• સોમવાર, 18 મે, 2026

ધોરાજી : હનીટ્રેપમાં ફસાવી લૂંટ ચલાવનાર ટોળકી જેલહવાલે

ધોરાજી, તા.4 : ધોરાજીના હિરપરા વાડી વિસ્તારમાં રહેતા 29 વર્ષીય યુવાનને ફેસબુક પર મિત્રતા કેળવી હનીટ્રેપમાં ફસાવવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભોગ બનનાર યુવાનને ઉપલેટાની એક અવાવરું ઓરડીમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં તેને નગ્ન કરી, વીડિયો ઉતારી અને વાયરલ કરવાની ધમકી આપી ટોળકીએ માર મારી કુલ રૂ. 1.80 લાખની ખંડણી માગી હતી. આરોપીઓએ યુવાન પાસેથી રૂ. 1 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી અને રૂ. 1500 રોકડા લૂંટી લીધા હતા. આ મામલે ધોરાજી સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ ગુનામાં સંડોવાયેલા ચાર પુરુષ આરોપી ચિરાગ પટેલ, નિકુંજ પટેલ, પ્રતીક ગજેરા અને રઘુ રાઠોડને પોલીસે અગાઉ જ ઝડપી લીધા હતા. ત્યારબાદ, સઘન તપાસ દરમિયાન આ હનીટ્રેપમાં મુખ્ય ભૂમિકા ભજવનાર બે મહિલા આરોપીઓ રાણીબેન ઢોલક અને નીલાબેન પટેલ (બન્ને રહે. ઉપલેટા)ને પણ પોલીસે દબોચી લીધી છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ આ ટોળકીના અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ કે અન્ય કોઈ વ્યક્તિ આ જાળમાં ફસાઈ છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક