• સોમવાર, 18 મે, 2026

આંદરણા ગામ પાસેથી ટ્રકની ચેસીસમાં બનાવેલાં ગુપ્ત ચોરખાનામાંથી 5.67 લાખનો દારૂ ઝડપાયો

મોરબી, તા.4 : મોરબીનાં આંદરણા ગામ પાસે આવેલી હોટલ નજીક પોલીસે દરોડો પાડી એક ટ્રક ટ્રેલરના ગુપ્ત ચોરખાનામાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે કુલ 20.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના એક શખસની ધરપકડ કરી છે જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત અન્ય ત્રણ શખસને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઘટનાની વિગતો મુજબ, મોરબી-હળવદ હાઇ વે પર આંદરણા ગામ પાસે ભેરૂનાથ હોટલ નજીક એક શંકાસ્પદ ટ્રક ટ્રેલરને અટકાવી તલાસી લેતા ટ્રકની ચેસીસમાં ખાસ પ્રકારનું ચોરખાનું બનાવી તેમાં ભારતીય બનાવટના પરપ્રાંતના વિદેશી દારૂની કુલ 4608 નાની બોટલો અને બિયરના 96 ટીન છુપાવેલા હતા. પોલીસે 5,67,072ની કિંમતનો દારૂ-બિયર, 15 લાખની કિંમતનું ટ્રક ટ્રેલર અને બે મોબાઇલ ફોન મળી કુલ 20,87,072 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ટ્રક ચાલક ધનારામ ચૌધરી (રહે. બાડમેર, રાજસ્થાન)ની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો રાજસ્થાનના દમારામ જાંટે ભરી આપ્યો હતો અને દુદારામ ચૌધરીના કહેવાથી અન્ય કોઈ શખસને પહોંચાડવાનો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક