• સોમવાર, 18 મે, 2026

સુરત : સરકારી ટેન્ડર આપવાના બહાને વેપારી સાથે 7 કરોડની ઠગાઈ

અગાઉ મંજૂર થયેલા ટેન્ડરોની નકલો બતાવી વેપારીને વિશ્વાસમાં લીધા હતા 

સુરત,તા.5: સુરતના મોટા વરાછા વિસ્તારના વેપારી સાથે સરકારી ટેન્ડર આપવાવના બહાને રૂ. 7 કરોડની છેતરાપિંડી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. 

    પ્રાપ્ત વિઅગતો મુજબ મોટા વરાછામાં રહેતા અને વેપાર કરતા પ્રવિણ ભાઈ ભગવાનભાઈ ધડુકની આરોપી કિશોરભાઈ વાઘેલાએ વિશ્વાસમાં લીધા બાદ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ સરકારની આનંદધારા-વેસ્ટ બંગાળ સ્ટેટ રૂરલ લાઇવ લીહુડ મિશન હેઠળ રૂ. 36 કરોડના સરકારી શૂઝનું ટેન્ડર બહાર પડ્યું છે. આ ટેન્ડર અપાવવા માટે સરકારી અધિકારીઓ સાથે સાટિંગ હોવાનું કહીને પ્રવિણભાઈને મોટા આર્થિક લાભની લાલચ આપી હતી. કિશોર વાઘેલા અગાઉ મહાનગરપાલિકામાં કન્વીનર રહી ચૂક્યા હોવાથી વેપારીએ તેમના પર ભરોસો મૂક્યો હતો.

આરોપીઓએ વેપારી પ્રવિણભાઈને અગાઉ મંજૂર થયેલા ટેન્ડરોની નકલો બતાવી હતી જેથી તેમને કોઈ શંકા ન જાય. ટેન્ડર મંજૂર કરાવવા માટે આરોપીઓએ વેપારી પાસેથી 16 ટકા કમિશનની માંગણી કરી હતી. વેપારીએ લાલચમાં આવીને ટેન્ડર મળી ગયું છે તેમ સમજી કમિશન પેટે ટુકડે-ટુકડે કુલ રૂ. 2.49 કરોડ ઇન્દ્રજીત સેનગુપ્તા નામના શખ્સને ચૂકવી દીધા હતા. આરોપીઓએ વોટ્સએપ દ્વારા બોગસ વર્ક ઓર્ડર મોકલી આપ્યા હતા. આ ઓર્ડર મુજબ વેપારીએ દિવસ-રાત મહેનત કરીને 1.08 લાખ જોડી શૂઝ તૈયાર કર્યા હતા, જેની કિં.રૂ. 4,50,03,801 થતી હતી. આ માલ પશ્ચિમ બંગાળ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. માલ પહોંચી ગયા બાદ જ્યારે પ્રવિણભાઈએ પોતાના રૂ. 4.50 કરોડ રૂપિયાની ઉઘરાણી કરી, ત્યારે આરોપી ઓએ અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું.

વેપારી જ્યારે પણ પેમેન્ટની માંગણી કરતા ત્યારે આરોપીઓ વાયદા કરતા હતા કે, આ સરકારી કામ છે, પેમેન્ટ આવતા વાર લાગે. સમય વીતવા છતાં જ્યારે એક પણ રૂપિયો પરત ન મળ્યો અને આરોપીઓ ધમકાવવા લાગ્યા, ત્યારે વેપારીએ પશ્ચિમ બંગાળ સરકારમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આવો કોઈ વર્ક ઓર્ડર પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા અપાયો જ નથી અને તમામ દસ્તાવેજો નકલી છે.  જે બાબતે વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.

તપાસમાં જાણવા મળ્યુ કે ઝડપાયેલો આરોપી કિશોરકુમાર રામુભાઈ વાઘેલા  સુરત મહાનગરપાલિકામાં ભૂતપૂર્વ કન્વીનર તરીકે રહી ચૂક્યો છે. જ્યારે બીજો આરોપી સિમિસ સુબ્રમણ્યમ નોચીલ, જે પશ્ચિમ બંગાળમાં સંપર્કો હોવાનું કહી લોકોને જાળમાં ફસાવતો હતો. આ ગેંગમાં પશ્ચિમ બંગાળના સાયન સેન, સુભાશીષ સિંગા અને ઇન્દ્રજીત સેનગુપ્તા જેવા લોકો પણ સામેલ છે, જેમને પકડવા પોલીસની એક ટીમ રવાના થઈ છે. આ મામલે ઇકોસેલ દ્વારા ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક