પ્લાન્ટના
કર્મચારીઓએ જ કર્યો વિશ્વાસઘાત; 92 ટનથી વધુ ગેસ બારોબાર વેચી નાખ્યો : ઇન્ચાર્જ અને
ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ
મોરબી,
તા.6 : વાંકાનેરના કણકોટ ગામની સીમમાં આવેલ કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઈન્ડિયા લિમિટેડના
એલ.પી.જી. બોટાલિંગ પ્લાન્ટમાં કરોડો રૂપિયાની છેતરાપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
છે. કંપનીમાં ફરજ બજાવતા પ્લાન્ટ ઇન્ચાર્જ અને ઓપરેટરે ભેગા મળીને કંપનીના વિશ્વાસઘાત
કરી અંદાજે 1.52 કરોડ રૂપિયાની કિંમતનો ગેસ બારોબાર વેચી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાઈ
છે. વાંકાનેર તાલુકા પોલીસે આ મામલે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
છે.
બનાવની
વિગત મુજબ, કંપનીના કર્મચારી શુભાંગાસિંગ બિજેન્દ્રપાલ સિંગ દ્વારા નોંધાવવામાં આવેલી
ફરિયાદ અનુસાર, પ્લાન્ટ ઇન્ચાર્જ સુરેશકુમાર ભેરૂલાલ મેઘવાલ અને ઓપરેટર ઇલ્યાસ નુરમામદભાઈ
પરાસરાએ સાથે મળી આ કૌભાંડ આચર્યું હતું. બંને આરોપીઓએ સ્ટોરેજ પ્લાન્ટમાંથી કુલ
92 ટન 656 કિલોગ્રામ એલ.પી.જી. ગેસનો જથ્થો, જેની કિંમત 1,52,88,240 રૂપિયા થાય છે,
તે કંપનીની જાણ બહાર સગેવગે કરી નાખ્યો હતો. આ ગેસ વેચીને મળેલા નાણાં કંપનીના ખાતામાં
જમા કરાવવાને બદલે આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધા હતા. કંપની દ્વારા હિસાબની
તપાસ કરવામાં આવતા આ મસમોટી ઉચાપત સામે આવી છે, જેના આધારે પોલીસે વિશ્વાસઘાત અને છેતરાપિંડીની
કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.