• સોમવાર, 18 મે, 2026

ગોંડલના જામવાડી પાસે સમાધાન માટે આવેલા બે યુવક પર હુમલો

ગોંડલ, તા.6 : જામવાડી નજીક હોટલ પર ચા-પાણી પીવા ઉભેલા બે યુવકો પર પાંચ અજાણ્યા શખસોએ ધોકા સાથે અચાનક હુમલો કર્યો હતો, જેમાં એક યુવકના હાથ અને પગ ગંભીર રીતે ભાંગી ગયા છે અને બન્ને ઇજાગ્રસ્ત થયા છે. મૂળ વીજપડીના અને હાલ સુરતમાં ડ્રાઈવિંગ કરનાર દીપકભાઈ ચુડાસમા તથા તેમના કુટુંબી ભાઈ ગોપાલભાઈ ચુડાસમા સાવરકુંડલા કોર્ટના કેસની તારીખ માટે આવ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયામાં સમાજ સંબંધિત વીડિયો મુકવાના વિવાદને લઈને તેઓ અને વીરપુરના એક વ્યક્તિ વચ્ચે સમાધાન માટે ગોંડલ આવ્યા હતા. પરંતુ સામેનો વ્યક્તિ હાજર ન થતા તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે જામવાડી નજીક હોટલ પાસે ચા પીવા ઉભા રહ્યા. તે સમયે પાંચ જેટલા શખ્સો ધોકા સાથે આવી હુમલો કરી દીધો હતો. ગોપાલભાઈને પ્રથમ માર મારતાં તેઓ પડી ગયા બાદ દીપકભાઈ પર હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. બાદમાં બન્નેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક