ખોટા દસ્તાવેજો બનાવી બેંકના સીસી એકાઉન્ટમાંથી રૂપિયાની હેરાફેરી કર્યાનો આક્ષેપ
ધ્રાંગધ્રા,
તા.23: ધ્રાંગધ્રામાં આવેલી ઉમાભવાની ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણ શખસે ખોટા દસ્તાવેજો
બનાવી બેંકના સીસી એકાઉન્ટમાં રૂ.31.90 લાખનો ગેરવહીવટ કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ
નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ધ્રાંગધ્રામાં
રતનાસિંહ વજુભા ડોડિયાની માલિકીની ઉમા ભવાની ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ભાગીદાર તથા કર્મચારી મિલન પ્રવિણભાઇ પટેલ, નાગર મોહનભાઇ પંચાસરા
અને સુનિલ ઉર્ફે સંદીપભાઇ નાગરભાઇ પંચાસરાએ વિશ્વાસઘાત કરી ખોટા ઓથોરીટી લેટર અને બોગસ
દસ્તાવેજો તૈયાર કરી તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. આ આરોપીઓએ કેનેરા બેંકના સીસી
એકાઉન્ટ તથા કરંટ એકાઉન્ટના સ્ટેટમેન્ટમાં ચેક વગર જ અનેક વખત આર.ટી.જી.એસ. મારફતે
મોટી રકમની હેરફેર કરી હોવાનું બહાર આવ્યું છે. રતનાસિંહ ડોડિયાની જમીન પરની ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના
નામે ખોટા દસ્તાવેજો બનાવી શાપરના ખાતામાંથી રૂ.25 લાખનો ચેક પણ ઉપાડી લેવાયો હતો.
જેમાં મિલન અને નાગરભાઇએ આ રકમ અન્ય લોકો મારફતે
ટ્રાન્સફર કરાવી હતી. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદિત થતાં તેલના ડબ્બા, ખોળ, સાની તથા ફોતરીના વેચાણની રકમનો
હિસાબ ન આપી નાણા હડપ કરી લેવાયા છે. તપાસમાં સી.સી. એકાઉન્ટમાંથી અંદાજે રૂ.31,90,625ની
રકમનો ગેરવહીવટ થયો હોવાનું ખુલતા રતનાસિંહ ડોડિયાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય
શખસ અને સંડોવાયેલા અન્ય લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.