• રવિવાર, 24 મે, 2026

ચોકી પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા શિક્ષિકાનું મૃત્યુ, પતિને ગંભીર ઈજા

જૂનાગઢ, તા.ર3: જૂનાગઢ નજીકના ચોકી ગામ પાસે ગઈ રાત્રે સ્વીફ્ટ કાર ડિવાઇડર સાથે અથડાતા તેમાં બેઠેલા શિક્ષિકાને ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ થયુ હતું અને તેના પતિને ગંભીર ઈજા પહોંચી હતી.

જૂનાગઢના વાલાસીમડી ગામે રહેતા જેન્તીભાઈ વજુભાઈનો પુત્ર રાહુલ અને તેની પત્ની દીપીકાબેન તથા પુત્રી ક્રિશવા વડાલ ગામે રાહુલના મિત્રના ઘરે જમીને જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે પોતાના ફઈબાના ઘરે આંટો દેવા જવા માટે તેના પુત્ર નિકુંજને કાર લઈને તેડવા માટે બોલાવ્યો હતો.

આ પરિવાર મોડી સાંજે સ્વીફ્ટ કાર જી.જે.11 સી.એલ 6670 માં મોટા ગુંદાળા જઈ રહ્યા હતા ત્યારે ચોકી પાસે ચાલક નિકુંજ સામેથી આવતા વાહનની લાઈટમાં અંજાઈ જતા કારને સાઈડમાં લેવા જતા ડિવાઈડર સાથે અથડાતા તેમાં બેઠેલા રાહુલ અને દીપિકાને ગંભીર ઈજા પહોંચી હતી. ઘવાયેલા દંપતીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયુ હતું ત્યાં ફરજ પરના ડોક્ટરોએ દીપિકાબેનને મૃત જાહેર કર્યા હતા.

આ અંગે તાલુકા પોલીસે જયંતીભાઈ વજુભાઈએ તેના ભાણેજ નિકુંજ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉનાળુ વેકેશનને કારણે ભૂજમાં ફરજ બજાવતા શિક્ષિકા દીપિકાબેન પોતાના વતનમાં આવ્યા હતા અને સગા સંબંધીઓને ત્યાં આટો મારતા હતા ત્યારે ચોકી નજીક કાળનો ભેટો થતા આ વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે.

જૂનાગઢના જ્ઞાનબાગ ગુરુકુળમાં શ્રમિકનું મૃત્યુ

જૂનાગઢ, તા.ર3: જૂનાગઢના સાબલપુર ચોકડી નજીક આવેલી જ્ઞાનબાગ ગુરુકુળના નવા બિલ્ડીંગની લીફ્ટનું કામ કરતા કેનેડીપુરના અશ્વિન નાનજી સોલંકી (ઉં.48) લીફ્ટના ખાંચામાં ઉપરથી પટકાતા ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ થયુ હતું.

જ્યારે જૂનાગઢના મંડલીકપુર ગામે રહેતા જીતેન્દ્ર વજુભાઈ રામોલિયા (ઉ.4પ)એ કોઈ કારણોસર જીંદગીથી કંટાળી ગામની સીમમાં ઝેરી દવા પી લેતા મૃત્યુ થયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક