• શનિવાર, 20 એપ્રિલ, 2024

બજાણાનાં સેડલા ગામેથી રૂ. 16 લાખનો દારૂ ઝડપાયો

દારૂનો જથ્થો ટ્રકમાંથી અન્ય વાહનમાં ફેરવાતો’તો ત્યારે પોલીસે દરોડો પાડયો: દારૂ, ટ્રક, બોલેરો મળી રૂ. 34 લાખનો મુદ્દામાલ કબજે 

વઢવાણ, તા. 7: બજાણાના સેડલા ગામની સીમમાં દારૂનું કટિંગ થાય તે પહેલા રૂ. 15.89 લાખનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો. દારૂ, ટ્રક, બોલેરો મળી કુલ રૂ. 34 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જો કે, પોલીસે દરોડો પાડયો ત્યારે કોઈ મળી આવ્યું ન હતું.

 સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી. ત્રિવેદીએ તાબાના સ્ટાફ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ અને અમદાવાદ-ધ્રાંગધ્રા- કચ્છ હાઇ વે ઉપર ખાસ એક્શન પ્લાન હેઠળ સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મેળવેલ કે સોહરાબખાન બિસ્મિલ્લાખાન મલેક તથા સાહીરખાન અલીખાન મળેક રહે. બન્ને ગેડિયા, તા.પાટડીવાળાએ સાથે મળી ટ્રકમાં ગે.કા. પાસ પરમીટ વગર દારૂનો જથ્થો મગાવેલ છે અને માલવણથી સુરેન્દ્રનગર જતા હાઇ વે રોડ ઉપર સેડલા ગામની સીમમાં, રામાપીરના મંદિરથી અલીપીરની દરગાહ જતા જૂના કાચા મારગ ઉપર અવાવરુ જગ્યાએ તે ટ્રક રાખી તેમાં ભરેલ  દારૂનો જથ્થો પોતાના આગરીતો મારફતે અન્ય વાહનોમાં કટિંગ કરી કરાવે છે અને હાલે કટિંગ ચાલુ છે. જે બાતમી આધારે પૂરતી તૈયારી સાથે બાતમી હકીકતવાળી જગ્યાએ છાપો મારી આરોપીઓ દ્વારા કરવામાં આવેલ વિદેશી દારૂનું કટિંગ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ જગ્યાએથી રૂ. 15 લાખનો ટ્રક, રૂ. ત્રણ લાખની મહિન્દ્રા યુટિલિટી પીકપ બોલેરો તથા રૂ. 16 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂની બોટલો તથા આરટીઓ કાગળોની ફાઇલ મળી કુલ રૂ.34 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.  તમામ આરોપીઓ સ્થળ પર હાજર મળી નહીં આવતા તમામ મુદ્દામાલ કબજે કરી કુલ 5 આરોપી તથા તપાસમાં ખૂલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક