• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

પોરબંદરમાં એડવોકેટ સાથે રૂા.10 લાખની છેતરપિંડી

દુકાનો ખરીદવા રૂા.10 લાખ આપ્યા બાદ પણ કન્સ્ટ્રક્શનના ધંધાર્થીએ દસ્તાવેજ ન કરી દીધો 

પોરબંદર, તા.10: પોરબંદરમાં એડવોકેટ-નોટરી સાથે કન્સ્ટ્રક્શનના ધંધાર્થીએ રૂા.10લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ થઈ છે.

પોરબંદરના પેરેડાઇઝ વિસ્તારમાં રહેતા અને છેલ્લાં છ વર્ષથી જૂની કોર્ટના કમ્પાઉન્ડમાં નોટરી તરીકે પ્રેક્ટિસ કરતા જગદીશભાઈ માવજીભાઈ કાણકિયા (ઉં.વ.48) દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે કે, પાંજરાપોળ રોડ પર આવેલ બાલાજી પ્રાઇડ નામની બિલ્ડિંગમાં ચોથા માળે આવેલી ચાર દુકાન બાલાજી ડેવલોપર્સના પ્રોપરાઇટર પ્રશાંત અમૃતલાલ પૈડા પાસેથી રજિસ્ટર સાટા દસ્તાવેજથી રૂપિયા 12 લાખમાં લેવાનું નક્કી થયું હતું. ચારેય દુકાન પેટે જગદીશભાઈએ પ્રશાંત પૈડાને દસ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને બાકીના બે લાખ રૂપિયા 11 મહિનાની મુદત બાદ પ્રશાંતને આપવાના નક્કી કર્યા હતા.

પ્રશાંત જ્યારે અઘાટ વહેચાણ દસ્તાવેજ કરી આપે ત્યારે અગિયાર મહિને આ રકમ આપવાની હતી. અગિયાર મહિનાની મુદત પૂર્ણ થઈ જતા જગદીશભાઈએ વારંવાર પ્રશાંતને દસ્તાવેજ કરી આપવા જણાવ્યું હતું પણ હજુ સુધી દસ્તાવેજ કરી આપ્યા ન હતા. તેથી ફરિયાદી જગદીશ કાણકિયાને શંકા જતા તેણે પોરબંદરની સબ રજિસ્ટર કચેરી ખાતે તપાસ કરતા એવું જાણવા મળ્યું કે, તા.17.6.2022ના અમદાવાદના ધોલેરામાં દરબારગઢ વિસ્તારમાં રહેતા જયપાલસિંહ છનુભા ચુડાસમાને સાટા દસ્તાવેજની મુદતની અંદર વેચાણ કરી હતી.

ત્યારબાદ હજુ સુધી પાકા ખત નહીં કરી આપતા પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયાનું જણાતા જગદીશભાઈએ પ્રશાંત પૈડા સામે ગુનો નોંધાવ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક