• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

પાટણમાં યુવાનની હત્યા પ્રકરણમાં ફરાર રાજકોટનો શખસ ઝડપાયો

અગાઉ છ શખસની ધરપકડ થઈ’તી : બે ફરાર

 

રાજકોટ, તા.11 : મહેસાણા જિલ્લાના દાઉ ગામના હાર્દિક રમેશભાઈ સુથાર નામનો યુવાન દારૂ-ડ્રગ્સના વ્યસનમાં સપડાયો હોય સારવાર અર્થે હાર્દિકને તેના મામા  પાટણ ખાતે આવેલ જ્યોના નશા મુક્તિ કેન્દ્રમાં છ માસથી ખસેડાયો હતો. બાદમાં હાર્દિકને ઘેર જવુ હોય ઘેર જવાની છૂટ નહીં મળતા બાથરૂમમાં છરીથી હાથની નશ કાપી નાખી હતી.

આ અંગેની જાણ થતા નશા મુક્તિ કેન્દ્રના સંચાલક કમલીવાડાના સંદીપ પટેલે પ્લાસ્ટિકની પાઈપથી હાર્દિકને બેફામ માર માર્યે હતો અને બાદમાં અન્ય પાંચથી સાત શખસે હાર્દિક સુથારને દોરડાથી બાંધી બેરહેમીથી માર માર્યે હતો અને અને હાર્દિકની તબિયત લથડતા સંદીપ પટેલે હાર્દિકના મામાને ફોન કરી સારવારમાં ખસેડયાની જાણ કરી હતી. દરમિયાન હાર્દિક સુથારનું મૃત્યુ નિપજ્યું હતું અને હાર્દિકની અંતિમવિધિ કરી નાખવામાં આવી હતી.

આ બનાવ હત્યાનો હોવાની બાતમીના આધારે પોલીસે નશામુક્તિ કેન્દ્રના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને બનાવ હત્યાનો હોવાનું ખુલતા પોલીસે હાર્દિક સુથારના મામાની ફરિયાદ પરથી નવ શખસ સામે ગુનો નોંધ્યો હતો અને પોલીસે મુખ્ય સંચાલક સંદીપ પટેલ, જીતેન્દ્ર સાવલિયા, જયેશ ચૌધરી, કિરણ પટેલ, નીતિન ભુતડિયા, મહેશ નાઈને ઝડપી લીધા હતા જ્યારે ગૌરવ રાંદેરી, જયનીશ તાડા અને જયદીપ ફરાર થઈ ગયા હતા.

દરમિયાન હત્યાના ગુનામાં ફરાર રાજકોટના મવડી વિસ્તારની શ્રીનાથજી સોસાયટીમાં રહેતો અને જે તે સમયે નશા મુક્તિ કેન્દ્રમાં સારવારમાં ગયેલ જયદીપ ધીરુ રુપાપરા નામનો શખસ પણ આ હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય અને ફરાર થઈ ગયાનું ખુલતા ક્રાઈમ બ્રાંચના સ્ટાફે બાતમીના આધારે જયદીપ રુપાપરાને પણ ઝડપી લઈ પાટણ પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી હતી.