• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

વીરપુરમાં લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ અને માંડવિયાઓ વચ્ચે થઈ મારામારી: ચાર વ્યક્તિ સામે ફરિયાદ

વીરપુર, તા. 16: વીરપુર ખાતે લગ્ન પ્રસંગની અંદર જાનૈયા અને માંડવિયાઓ વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બન્ને પક્ષની વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. આ બબાલમાં માંડવા પક્ષની યુવતીએ ચાર વ્યક્તિ સામે  ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે વીરપુર પોલીસ મથકમાં 20 વર્ષીય શીતલ મકવાણા નામની યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, વીરપુર ખાતે તેમના કાકાની દીકરીના લગ્ન પ્રસંગ હોય અને તેમના ભાઈ દ્વારા અગાઉ લવ મેરેજ કરી લીધેલ હોય તેમના પણ લગ્ન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની અંદર તેમન કાકાના સાળાનો પરિવાર ઉપસ્થિત હતો જેમાં તેમના સાળાના પુત્રએ ગાળાગાળી કરતો હતો. તેને ગાળાગાળી નહીં કરવા અને શાંત રહેવાની વાત કહેતા રોહિત નામનો યુવક ઉશ્કેરાઈ ગયો હતો તેને સમજાવતા તે જતા રહ્યો હતો. કાકાની દીકરીના લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ ફરિયાદીના સગાભાઈ સાગરના લગ્નનો વિધિવત્ કાર્યક્રમ શરૂ હતો ત્યારે તેમના સંબંધી દેવજીભાઈ, ઇલાબેન, વિકાસ અને રોહિત બપોર બાદ આવ્યા હતા અને સવારના ઝઘડાનો ખાર રાખી મારામારી અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. જેમાં દીકરીની માતાને પણ માર મારવામાં આવ્યો હતો અને ફરિયાદીના ભાઈ વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હોવાનું  અને રોહિતે છરી કાઢીને ભાઈ સાગરને મારવા જતાં તે બચાવવા જતાં છરીનો ઘા લાગી ગયાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

આ બનાવમાં શીતલના ભાઈ, ભાભી, કાકી અને અન્ય લોકો મળી સાતને ઇજા થઈ હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે રોહિત દેવજી સોલંકી, વિકાસ દેવજી સોલંકી, દેવજી કાનજી સોલંકી, ઈલા દેવજી સોલંકી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.