સુરત, તા. 16: સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ખાતે બિરસા મુંડા સર્કલ પાસેની ચેકપોસ્ટ પરથી એક આઇસર ટેમ્પામાંથી રૂ. 66 હજારની કિંમતની યુરિયાની શંકાસ્પદ 250 થેલી મળી આવી હતી. પોલીસે ડ્રાઇવર ક્લિનરની અટકાયત કરી હતી.
બે દિવસ પહેલા તા.14ના રોજ મહુવા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. વિનોદભાઈ, મહિલા પોલીસ કોન્સ. મીતાબેન તથા જી.આર.ડી.ના જવાનો બિરસા મુંડા સર્કલ પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન સાંજના સમયે અનાવલથી ચીખલી તરફ જતો એક આઇશર ટેમ્પાનું ચેકિંગ કરતા 250 જેટલી ગુણીમાં નિમકોટેડ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. મહારાષ્ટ્રના નંદુરબારના ટેમ્પાચાલક વિજય ભગવાનભાઈ બાગુલ(પાટીલ) અને ધુલિયાના ક્લીનર કિરણ સંતોષ પાટિલની અટકાયત કરીને સઘન પૂછપરછ કરી હતી. તેઓ પાસે બિલ ન હોવાનું જણાયું હતું. આ જથ્થો બિલીમોરા ખાતે આપવાનો હોવાનું તથા આ જથ્થો મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લાના શાહદા તાલુકાના ડોંગારગાંવ ગામના યોગેશભાઈ બાગુલ(પાટીલ) પાસેથી લાવ્યા હોવાનું જણાવયું હતું. આ શંકાસ્પદ ખાતરનો જથ્થો જે ખેતીના ઉપયોગની જગ્યાએ અન્ય કે ઔદ્યોગિક વપરાશ કરવામાં આવતો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાયું છે. જેથી બન્ને આરોપીઓની ધરપકડ કરી મહુવા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં યુરિયા 46% નીમ કોટેડ તેમજ નર્મદા બાયોકેમ લિ.-અમદાવાદ દ્વારા ઉત્પાદિત થયેલ યુરિયા 46% નિમકોટેડ ખેતીમાં વપરાતા ખાતરનો જથ્થો ઔદ્યોગિક હેતુસર વપરાશ કરતા હોવાનું જણાયું છે. ખાતરના ટેસ્ટિંગ માટેના નમુના લઈ બારડોલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે મહુવા તાલુકાના ખેતી અધિકારી કોમલબેન ચૌધરીએ ગેરકાયદેસર રીતે રાસાયણિક યુરિયાની હેરફેર બદલ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.