ઉપલેટા, તા.16: ઉપલેટામાં પુત્ર કેસિનોમાં પાંચ લાખ હારી જતા કારખાનેદાર પિતાનું અપહરણ કરાયું હતું.
આ બનાવની વિગત એવા પ્રકારની છે કે, ત્રાંબડિયા ચોકમાં વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતાં 64 વર્ષના રતિલાલ જીવણભાઈ માણાવદરિયાએ ઉપલેટા પોલીસમાં ફરિયાદ કરતા લખાવેલ છે કે, હું ઈશરાના પાટિયા પાસે જ્યોતિ પ્લાસ્ટિક નામનું પ્લાસ્ટિકના ગઠ્ઠાનું કારખાનું ધરાવું છું. મારો મોટો દીકરો કેવિન તથા નાની દીકરી શ્રુતિ જે ઉપલેટામાં જ સાસરે છે. ગઈકાલે બપોરના આશરે સવા બારેક વાગ્યા હું મારા ઘરે હતો ત્યારે મારા મોબાઇલમાં ફોન આવેલ અને મને કહેલ કે, કેવિનના પપ્પા બોલો છો ? તેથી મેં હા પાડી હતી ત્યારે સામેથી જૂનાગઢથી વિવેક બોલું છું અને હમણાં ઉપલેટા આવું છું. પૈસાની વાત છે એટલે રૂબરૂ વાત કરીએ અને કેવિન ક્યાં છે ? એમ કહેતા મેં કેવિન પૈસાની વ્યવસ્થા કરવા રાજકોટ ગયેલ છે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તમે પૈસા આપો કે ના આપો. આપણે રૂબરૂ વાત કરીએ પછી આપણે કયો રસ્તો લેવો એની ખબર પડે હું જૂનાગઢથી નીકળી અને ઉપલેટા આવ્યે તમને ફોન કરું છું. ત્યારબાદ બપોરના આશરે પોણા ત્રણેક વાગ્યે હું તથા મારા મિત્ર રણજીતભાઈ સુભાષભાઈ જાદવ અમે બંને જણા મોટરસાયકલ લઈને ઉભેલા હતા ત્યારે ઉપરોક્ત નંબરથી ફરીથી ફોન આવેલ અને ઉપલેટા બસ સ્ટેન્ડમાં ઊભા છીએ તેમ કહ્યું હતું. ફોન કરનારે લાતી પ્લોટ કામદાર હોટલ પાસે આવો તેમ કહ્યું હતું. આ હું ત્યાં ગયો હતો. ત્યાં ક્રેટા કાર અમારી પાસે ઉભી રહી હતી અને ગાડીની પાછલી સીટમાં ઉપલેટાનો ભૌમિક કમલેશભાઈ ભારાઈ બેઠો હતો.
મેં ગાડી અહીંથી આગળ પશુ દવાખાના પાસે પાણીના ટાંકા પાસે લઈ લો અમે બધા ત્યાં ભેગા થયા હતા. આ વખતે ક્રેટા ગાડીમાંથી ભૌમિક ભારાઇ સહિત ત્રણ જણા ઉતર્યા હતા. ભૌમિક ભરાઈએ મને આ જૂનાગઢનો વિવેક છે. બીજાની ઓળખ આપી નહોતી. આ ત્રણે મને પરાણે કારમાં બેસાડી મારો પુત્ર કેસિનો જુગારમાં રૂપિયા પાંચ લાખ હારી ગયો હોય તેની ઉઘરાણી કરી માર મારી, ધમકી આપી સુપેડી ચામુંડા હોટલ પાસે મને ગાડીમાંથી ઉતારી મૂકી ફરાર થઈ ગયેલા હતા. આ અંગે પોતાના અપહરણ થયાની અને માર માર્યાની ફરિયાદ
ભોમિક કમલેશ ભારાઈ વિવેક અને એક અજાણ્યા સામે નોંધાતા પોલીસે તપાસ શરૂ કરેલ છે.