• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

ધોરાજી: 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરીને સગર્ભા બનાવનારને અંતિમ શ્વાસ સુધીની કેદ

ધોરાજી, તા. 17:  મૂળ બિહારની વતની એવી 14 વર્ષની કિશોરી પર વારંવાર દુષ્કર્મ આચરીને સગર્ભા બનાવી દેવા અને છરી બતાવીને ધમકી આપવા અંગે પકડાયેલા ઇકબાલ હબીબભાઇ કાલિયા ઉર્ફે મેમણ ઉર્ફે ઇકબાલ જાદુગર સામેનો કેસ ચાલી જતાં સેશન્સ જજ રાહુલકુમાર એમ શર્માએ તેને જીવનના અંતિમશ્વાસ સુધીની આજીવન કેદ અને રૂ. 25 હજારના દંડની સજા કરી હતી.

 ભોગ બનનાર કિશોરીના પિતા મૂળ બિહારના વતની હતા અને તેમને બે પત્ની તથા સાત બાળકો હતા. આર્થિક ભારણ સહન ન થતાં તેમણે પોતાની એક પુત્રીને ઈકબાલ હબીબ મેમણ સાથે પરણાવી હતી. તેની સાથે તેની 14 વર્ષની પુત્રીને મોકલી હતી. 14 વર્ષની ભોગ બનનાર બાળકી પોતાની આશ્રિત હોવા છતાં તેની સમજ કે મરજી વગર વારંવાર શરીર સંબંધ બાંધતો હતો. ભોગ બનનાર ના પાડે તો છરી બતાવી દુષ્કર્મ આચરતો હતો. આ આરોપીના શરણે રહેવા સિવાય ભોગ બનનાર બાળકી પાસે અન્ય કોઈ વિકલ્પ ન હતો. આવા સંજોગોમાં ભોગ બનનાર બાળકીને ગર્ભ રહી ગયો હતો. બે વખત તેણીને ગર્ભ પડી જાય તેવી દવાઓ ખવડાવી અને ગર્ભપાત પણ કરાવી નાખેલો હતો. આ સિલસિલો સતત અને અવિરત ચાલુ રહેતો હતો. છેવટે સામાજિક કાર્યકર્તા અને પાડોશી બહેનના ધ્યાનમાં આ હકીકત આવતા તેમણે ભોગ બનનાર બાળકીના પિતાને બોલાવી અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી અને આરોપી ઈકબાલ હબીબ કાલિયા સામે ફરિયાદ નોંધાય હતી. પોલીસે 4 જુલાઈ 2020 ના અરસામાં આ ઈકબાલ હબીબ કાલિયાની ધરપકડ કરેલી હતી.

સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ એ રજૂઆતો કરેલી હતી કે આરોપી એ આચરેલો અપરાધ તે જધન્ય અપરાધ છે. આરોપી સામે અગાઉ સુરેન્દ્રનગર કોર્ટે સજા ફરમાવેલી હતી.  ભોગ બનનાર બાળકીની ઉંમર અને વલનરેબલ તરીકે ભોગ બનનાર બાળકીને  અદાલત અને કાયદાની પ્રક્રિયામાં એક વિશ્વાસ સંપાદન કરાવી અને સત્ય હકીકત જુબાની સ્વરૂપે રેકોર્ડ પર લાવેલ હતા. સાહેદોની જુબાની અને દસ્તાવેજી પુરાવાની તુલના કરીનેસેશન્સ જજ  રાહુલ કુમાર એમ શર્માએ  ઈકબાલ હબીબ કાલીયા મેમણ ઉર્ફે ઈકબાલ જાદુગર ગુનેગાર ઠેરાવી જીવનના અંતિમ શ્વાસ સુધી  કેદ અને રૂ. 25 હજારના દંડની સજા કરી હતી. આ ઉપરાંત સરકારી જોગવાઇ પ્રમાણે ઁ ભોગ બનનારને પોતાનું જીવન પુન:સ્થાપન કરવા માટે 12,00 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો હતો.