• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

તાત્કાલિક લગ્ન નહીં કરાવતા દીકરીએ વિધવા માતાને પૂરી દીધી

ભાર્ગવ પરીખ 

અમદાવાદ, તા. 17: મારી માતાએ મારી મોટી બહેનના લગ્ન તાત્કાલિક કરાવી દીધા, એ એના પતિ જોડે સુખી છે અને હું પરેશાન થાઉં છું પણ મારા લગ્ન નથી કરાવતી. મને રોજ નવો વાયદો કરે છે એટલે કંટાળીને મેં એને રૂમમાં પુરી દીધી, આ શબ્દો મણિનગર પોલીસ અને અભયમની ટીમ સામે ઉભેલી પારુલના  છે.

અમદાવાદના મણિનગરમાં રહેતા ભાવના બહેનના પતિનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું એમને પેટે પાટા બાંધીને બે છોકરીઓને ઉછેરી હતી. ભાવના બહેનની બન્ને દીકરીઓ અલગ અલગ છોકરાઓના પ્રેમમાં હતી. બન્ને બહેનોને પ્રેમ લગ્ન કરવા હતા. મોટી બહેનના લગ્ન થઇ ગયા અને નાની બહેનના લગ્ન બાકી હતા. 

અભયમની ટીમના કાઉન્સિલર સોનલ બહેન ચૌહાણે ફૂલછાબ સાથેની વાતચીતમાં કહ્યું કે, અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા ભાવના બહેનની બન્ને દીકરીઓ પ્રેમમાં હતી. એમની માતા બન્ને દીકરીઓના પ્રેમ લગ્ન કરાવવા તૈયાર પણ હતા. મોટી દીકરીનો પ્રેમી કમાતો હતો, એટલે મોટી દીકરીની ઈચ્છા મુજબ તેના પ્રેમ લગ્ન 10 મહિના પહેલા કરાવ્યા હતા. મોટી દીકરી લગ્નથી સુખી છે અને સુખી લગ્ન જીવનના કારણે એ સાલ સગર્ભા છે અને ત્રણ મહિના પછી એ બાળક ને જન્મ પણ આપશે. મોટી દીકરી સગર્ભા હોવાથી એની પ્રસુતિની સગવડ માટે  માતા મોટી પુત્રીના સાસરિયામાં વધુ રહેતી હતી. જેને કારણે નાની દીકરી પરેશાન રહેતી હતી, તેની વિધવા માતાને હેરાન કરતી હતી વારંવાર મોટી દીકરીના સાસરે જઈ ને મોટીના લગ્ન કરાવ્યા છે તો મારા લગ્ન તાત્કાલિક કરાવો કહીને ઝઘડા કરતી હતી. બીજી બાજુ એનો પ્રેમી સરખું નહીં કમાતો હોવાથી તાત્કાલિક લગ્ન કરવા માગતો નહતો જેના પરિણામે નાની બહેન પારુલ મોટી બહેનનો સુખી સંસાર જોઈ એની માતા સાથે ઝઘડા કરતી હતી અને છેવટે એ એટલી હદે ઉશ્કેરાઈ ગઈ કે એને લગ્ન કરવા માટે પોતાની વિધવા માતાને રૂમમાં પૂરી દીધી હતી. અમારી ઉપર ફોન આવ્યો એટલે અમે વિધવા માતાને રેસ્ક્યુ કરી  અને આ છોકરી અને એના પ્રેમીને બોલાવી સમજાવ્યા છે એના પ્રેમીની સગવડે બન્ને લગ્ન કરશે. કાનૂની કાર્યવાહી ચાલુ હોવાથી નામ બદલાય છે.