• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

સુરેન્દ્રનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ : જાનની બસ-વરરાજાની કારમાં તોડફોડ

અમદાવાદની મહિલાના પર્સની બસમાં તફડંચી

 

વઢવાણ, તા.18 : સુરેન્દ્રનગરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે મારામારી, હત્યા, હત્યાનો પ્રયાસ અને અપહરણ સહિતના ગંભીર બનાવો રોજબરોજ સરાજાહેર બનતા હોવાના કિસ્સા પોલીસમાં નોંધાતા રહે છે ત્યારે અગાઉના મનદુ:ખના કારણે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે ડખ્ખો વકર્યો હતો અને જાનની બસ તેમજ વરરાજાની કારમાં તોડફોડ કરવામાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

આ અંગેની વિગત એવી  છે કે, સુરેન્દ્રનગરમાં રહેતા માણેક પરિવાર પુત્રને પરણાવવા માટેથી બસ અને કાર લઈને નીકળ્યા હતા ત્યારે જ્ઞાતિના કેટલાક શખસો ધસી આવ્યા હતા અને માણેક પરિવાર સાથે અગાઉની માથાકૂટનો ખાર રાખીને મારામારી કરી હતી અને જાનની બસ અને વરરાજાની કારમાં તોડફોડ કરતા એક તબક્કે સરાજાહેર જાનૈયાઓમાં પણ નાસભાગ મચી ગઈ હતી અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જાન પરણીને આવ્યા બાદ પણ માથાકૂટ થાય તેવી દહેશત હોય પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માગણી કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

મહિલાના પર્સની બસમાં તફડંચી: અમદાવાદ પાલડીમાં રહેતી કોકીલાબેન સોલંકી નામની મહિલા દહેગામ-રાજકોટની બસમાં આવતા હતા.

દરમિયાન લીંબડી પાસે બસ ઉભી રહેતા કોકીલાબેન સોલંકીને જાણ થઈ હતી કે તેનું રૂ.3પ00ની રોકડ, આધારકાર્ડ-પાનકાર્ડ લાયસન્સ અને બેંકના એટીએમ સહિતના પર્સની ચોરી થઈ ગઈ હતી અને બસને સાયલા પોલીસ મથકે લઈ જવામાં આવતા બસમાં રહેલા મુસાફરોના સામાનની તલાસી લેવામાં આવી હતી પરંતુ કંઈ નહીં મળતા બસ જવા દેવામાં આવી હતી.