બાડમેર,
તા.3 : રાજસ્થાનમાં મિગ-ર9 લડાકૂ વિમાન ક્રેશ થયું છે. વિમાનમાં બે પાયલોટ સવાર હતા
જેમની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી છે. ટેકનિકલ ખામી સર્જાયા બાદ બન્ને પાયલોટે ઈજેક્ટ
કરતાં પહેલા વિમાનને માનવ વસતીથી દૂર લઈ ગયા હતા.
રાજસ્થાનના
બાડમેર જિલ્લાના ક્વાસ ગામ પાસે એરફોર્સનું મિગ-ર9 વિમાન તૂટી પડયું હતું. વિમાન જ્યાં
ખાબક્યું ત્યાં નજીકમાં ગામ ઉપરાંત ઓઈલ ફિલ્ડ પ્રોસેસિંગ યુનિટ આવેલું છે જો તેની ઉપર
વિમાન ક્રેશ થયું હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ હતી. એરફોર્સે જણાવ્યા અનુસાર
મિગ-ર9એ સોમવારે રાત્રે નિયમિત પ્રશિક્ષણ ઉડાન ભરી હતી. ટેકનિકલ ખામી સર્જાયા બાદ રાત્રે
10 વાગ્યા આસપાસ વિમાન ક્રેશ થયું હતું. બન્ને પાયલોટ ઈજેકટ કર્યા બાદ સુરક્ષિત લેન્ડ
થયા હતા. બન્ને પાયલોટે વારાફરતી ઈજેક્ટ કરી મોટી દુર્ઘટના ટાળી હતી એક પાયલોટે ક્રેશ
સ્થળથી 4 કિમી દૂર ઈનેક્ટ કર્યુ અને બીજાએ થોડા સમય બાદ ઈજેકટ કરતાં ગામ થી દૂર વિમાન
ક્રેશ થયું હતું. વિમાનના કાટમાળમાં આગ ભભૂક્યા બાદ ફાયર ફાયટરોએ ધસી જઈ બૂઝાવી હતી.
એરફોર્સે બનાવની તપાસનો આદેશ આપ્યો છે.