નવા સંક્રામક રોગચાળાનો મૃત્યુદર 88 ટકા: હુનું એલર્ટ
નવી
દિલ્હી, તા.30: વર્ષ 2020થી દુનિયા કોરોના મહામારીનાં ભરડામાં સપડાયેલી છે અને અત્યાર
સુધીમાં 70 કરોડ લોકો તેનાં શિકાર બની ગયેલા છે. કોરોના બાદ મંકીપોક્સે પણ વૈશ્વિક
સ્તરે હાહાકાર મચાવેલો છે અને ભારતમાં પણ તેનાં ત્રણ પોઝિટિવ કેસ જોવામાં આવી ગયા છે.
આ બન્ને ખતરનાક વાયરસ વચ્ચે હવે નવો સંક્રામક રોગ મારબર્ગ વાયરસ પણ ચિંતામાં વધારો
કરી રહ્યો છે. જેમાં 88 ટકા જેટલા સંક્રમિતોનાં મૃત્યુ થઈ રહ્યા હોવાથી તેનું જોખમ
કેટલું ઘાતક છે તે સમજી શકાય છે.
પૂર્વ
આફ્રિકાના દેશ રવાંડામાં મારબર્ગ વાયરસનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ત્યાં
26 કેસની પુષ્ટિ થઈ ગઈ છે અને તેમાંથી છ લોકોનાં મૃત્યુ નીપજ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય
સંગઠન (હુ) દ્વારા આપવામાં આવેલા અહેવાલ અનુસાર રવાંડાનાં 30 જિલ્લામાં આ વાયરસનાં
કેસ નોંધાયા છે. 26 કેસમાંથી 20માં દર્દીની હાલત ગંભીર બની છે. તેમને આઈસોલેટ કરી દેવામાં
આવ્યા છે. તેમનાં સંપર્કમાં આવેલા 160 લોકો પણ નિરીક્ષણ હેઠળ છે.
આ વાયરસમાં
સંક્રમિતોનો મૃત્યુનો દર 88 ટકા જેટલો ભયાનક છે અને તેને ઈબોલા પરિવારનો વાયરસ માનવામાં
આવે છે. આ વાયરસ પણ ચામાચીડિયામાંથી માણસમાં ફેલાયો છે. જેને પગલે હુ દ્વારા આનાથી
સાવધાની માટે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આ વાયરસનાં સંક્રમણનાં ઈલાજ માટે કોઈ
દવા કે રસી હજી સુધી શોધાયેલી નથી. રવાંડાનાં સ્વાસ્થ્ય મંત્રાલયનાં કહેવા અનુસાર આ
રોગચાળાનો ફેલાવો રોકવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યા
છે. આ વાયરસમાં પણ તેજ તાવ, માથાનો ગંભીર દુ:ખાવો અને કળતર સહિતની સમસ્યાઓ થાય છે.
આ સાથે દસ્ત, પેટમાં પીડા, ઉલ્ટી સહિતની તકલીફો પણ જોવા મળે છે.