દિલ્હીમાં એક કાર્યક્રમમાં ન્યાયમૂર્તિ
ચંદ્રચૂડે કહ્યું, જામીન નિયમ છે, અપવાદ નહીં
નવી દિલ્હી, તા.પ: દેશનાં પ્રમુખ
ન્યાયમૂર્તિ(સીજેઆઈ) ડી.વાય.ચંદ્રચૂડ હવે થોડા સમયમાં જ સેવાનિવૃત્ત થવાનાં છે ત્યારે
દિલ્હીમાં આજે એક કાર્યક્રમમાં તેમણે આપણાં દેશની ન્યાય વ્યવસ્થા માટે એક મોટું અને
મહત્ત્વનું નિવેદન કર્યુ છે. તેમણે કહ્યું હતું કે, ન્યાયપાલિકાની સ્વતંત્રતાનો મતલબ
એવો નથી કે હંમેશાં સરકારની વિરુદ્ધ ચુકાદા આપવા. આ સાથે જ તેમણે દેશમાં ન્યાયધીશો
અને તેમનાં ફેંસલા ઉપર વિશ્વાસ રાખવાની અપીલ પણ કરી હતી.
તેમણે ન્યાયિક વ્યવસ્થાની નિષ્પક્ષતાને
અત્યંત જરૂરી ગણાવતા કહ્યું હતું કે, મેં જ્યારે ચૂંટણી બોન્ડનાં કેસમાં કેન્દ્ર સરકાર
ખિલાફ ચુકાદો આપ્યો ત્યારે તેને નિષ્પક્ષ માનવામાં આવ્યો હતો. તેનાથી વિપરિત જો કોઈ
ફેંસલો સરકારની તરફેણમાં જાય તો ન્યાયતંત્ર આઝાદ નથી તેવું કહી કે માની લેવામાં આવે
છે. મને લાગે છે કે, આ સ્વતંત્રતાની પરિભાષા નથી.
અયોધ્યા રામમંદિર વિવાદમાં ચુકાદો
આપતા પહેલા ભગવાનને પ્રાર્થના કરવા સંબંધિત સીજેઆઈ ચંદ્રચૂડનાં વિધાન અંગે ભારે હંગામો
અને વિવાદ થયો હતો. આ વિશે તેમણે કહ્યું હતું કે, હું તમામ ધર્મોનું સન્માન કરનાર આસ્થાવાન
માણસ છું. આ સોશિયલ મીડિયાની સમસ્યા છે. કોઈપણ નિવેદન કઈ પૃષ્ઠભૂમિમાં કરવામાં આવે
છે તે પણ ધ્યાને રાખવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર
મોદી સાથે પોતાની પૂજા-પ્રાર્થનાની તસ્વીર વિશે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મારા
ઘરે અંગત કાર્યક્રમમાં આવ્યા હતાં. તે કોઈ સાર્વજનિક કાર્યક્રમ નહોતો. મને આમાં કંઈ
ખોટું નથી લાગતું. કારણ કે ન્યાયપાલિકા અને કાર્યપાલિકા વચ્ચે સામાજિક સ્તરે નિરંતર
બેઠકો થતી રહેતી હોય છે.
અદાલતો દ્વારા આરોપીઓનાં જામીન
નકારવા મુદ્દે સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું હતું કે, સીજેઆઈ તરીકે તેમનાં માટે આ ગંભીર
ચિંતાનો વિષય છે કે, જામીન નિયમ છે અને અપવાદ નથી તેવો સંદેશ નીચલી અદાલતો સુધી પહોંચી
શક્યો નથી. અદાલતો હજી પણ જામીન આપતા અચકાય છે. મે અર્નબથી લઈને ઝુબૈર સુધી બધાને જામીન
આપ્યા છે. આ મારો સિદ્ધાંત છે.