શિંદે સતારા પોતાના ગામે જવા
રવાના થયા : મંત્રાલયની વહેચણીનો મુદ્દો ઉકેલાયો ન હોવાની ચર્ચા
નવી દિલ્હી, તા. 29: મહારાષ્ટ્રમાં
મહાયુતિ ગઠબંધન વચ્ચે બધું ઠીક છે ? તેવા સવાલ સતત ઉઠી રહ્યા છે કારણ કે મહારાષ્ટ્રમાં
મુખ્યમંત્રી કોણ બનશે તે નક્કી થઈ શક્યું નથી. તેવામાં શુક્રવારે મુંબઈમાં થનારી મહાયુતિની
બન્ને બેઠક રદ કરી દેવામાં આવી હતી. જેની પાછળનું કોઈ કારણ સામે આવ્યું નથી. મહાયુતિની
બેઠક મુંબઈમાં થવાની હતી. આ ઉપરાંત શિવસેના વિધાયકોની બેઠકને પણ રદ કરવામાં આવી હતી.
કહેવાય છે કે હવે આ બેઠક બે દિવસ બાદ કરવામાં આવશે. એકનાથ શિંદે સતારા સ્થિત પોતાના
ગામ જવાના હોવાથી બેઠક ન થઈ હોવાનું કહેવાયું હતું.
સુત્રોના કેહવા પ્રમાણે મુખ્યમંત્રી
અને ઉપમુખ્યમંત્રી પદ ઉપર સામાન્ય સહમતિ છે પણ અમુક મંત્રી પદની વહેચણીનો મુદ્દો હજી
પણ ઉકેલાયો નથી. સૂત્રો અનુસાર બે ડેપ્યુટી સીએમ સાથે એક સીએમનો ફોર્મ્યુલા યથાવત રાખવામાં
આવશે. જો કે શિંદે ડેપ્યુટી સીએમની ભૂમિકા માટે ઈચ્છુક નથી. વિધાયક અને શિવસેના પ્રવક્તા
સંજય શિરસાટે કહ્યું હતું કે શિંદે ઉપમુખ્યમંત્રી બને તેવી સંભાવના નથી. આ પદ એવા વ્યક્તિને
શોભા દેતું નથી જે પહેલાથી જ મુખ્યમંત્રી હોય. વધુમાં કહેવાય રહ્યું છે કે ભાજપ પાસે
ગૃહ વિભાગ, એનસીપી પાસે નાણા વિભાગ અને શિંદેની શિવસેના પાસે શહેરી વિકાસ અને સાર્વજનિક
નિર્માણ વિભાગ રહે તેવી શક્યતા છે.