• રવિવાર, 27 એપ્રિલ, 2025

આંબેડકરની વિચારધારા અને ઇચ્છા મામલે ભાજપ કોંગ્રેસ સામસામે

વૉટબૅન્ક કા વાઈરસની મોદીની ટિપ્પણી સામે કોંગ્રેસનો હુમલો - વડા પ્રધાન માત્ર શબ્દોના સાથિયા પૂરે છે

આનંદ કે વ્યાસ

નવી દિલ્હી, તા. 14: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દાવો કર્યો હતો કે, કૉન્ગ્રસ પક્ષ હાલમાં સંસદના બંને ગૃહોમાં પસાર થયેલા વક્ફ કાયદાનો વિરોધ કરી રહ્યો છે, કેમ કે વોટબૅન્કનો વાયરસ કરડ્યો છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, દેશનો સૌથી જૂના રાજકીય પક્ષે સામાજિક ન્યાય માટેના ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિઝનનો ઉપયોગ પોતાના લાભ અને હિત માટે શસ્ત્ર તરીકે કરી રહ્યા છે અને તેનો ઉપયોગ તુષ્ટિકરણ માટે કરી રહ્યા છે. જો કે, તેમની આ ટિપ્પણનો વળતો જવાબ આપતાં કૉન્ગ્રેસના વડા મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું હતું કે, બાબાસાહેબની વિરાસતની વડા પ્રધાન દ્વારા થતી વાતો માત્ર શબ્દોના સાથિયા છે અને આંબેડકરની ઇચ્છા પૂરી થાય એવું એક પણ પગલું તેમણે લીધું નથી.

ડૉ. બાબાસાહેબ આંબેડકરને કૉન્ગ્રેસ દ્વારા મળેલી વર્તણૂંક બાબતે નરેન્દ્ર મોદીએ કરેલી ટીકા બાબતે વળતો પ્રહાર કરતા ખરગેએ ડૉ. આંબેડકરે લખેલા પત્રનો સંદર્ભ આપતા કહ્યું હતું કે, 1952ની ચૂંટણીમાં પોતાના પરાજય માટે આંબેડકરે એસ. એ. ડાંગે અને વિનાયક સાવરકરને જવાબદાર ઠેરવ્યા હતા. આંબેડકર જયંતી નિમિત્તે પત્રકારો સાથે વાત કરતા ખરગેએ રાષ્ટ્રીય સ્તરે જાતિ-આધારિત વસ્તી ગણતરીની જરૂરીયાત પર ભાર આપવાની સાથે એસસી, એસટી અને ઓબીસી માટે ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અનામતના અમલીકરણને ધ્યાનમાં લેવાની વાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશનું બંધારણ આંબેડકર તરફથી નાગરિકોને મળેલી ભેટ છે, જે તેમને સામાજિક, આર્થિક તથા રાજકીય ન્યાયનો અધિકાર આપે છે. અૉલ ઈન્ડિયા કૉન્ગ્રેસ કમિટીના સત્રમાં અમે આ બાબતને આગળ ધપાવી હતી.

ખરગેએ જણાવ્યું હતું કે, કૉન્ગ્રેસ પાંચ મુદ્દાઓને આગળ વધારવા માગે છે અનેઆથી જ અમે એ વાત પર ભાર આપી રહ્યા છીએ કે, રાષ્ટ્રવ્પાયી જાતિ-આધારિત વસ્તી ગણતરી આવશ્યક છે.

કૉન્ગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, જાતિ-આધારિત વસ્તી ગણતરી કરાવવા માટે સરકાર તૈયાર નથી. મોદી સરકાર આંબેડકરનું નામ લે છે, પણ તેમની ઇચ્છાઓને પરિપૂર્ણ કરવાની તેમની તૈયારી નથી. તેઓ માત્ર વાતોનાં વડાં કરી જાણે છે.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક