• ગુરુવાર, 19 જૂન, 2025

ટ્રમ્પની દાઢ ડળકી : ભારતીયોને વધુ ખંખેરશે અમેરિકાથી ભારત મોકલાતાં નાણાંમાં 5 % ટેકસનો પ્રસ્તાવ

વોશિંગ્ટન તા.16 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકાએક ભારત વિરોધી થઈ ગયા હોય તેમ એક પછી એક એવા નિર્ણય લઈ રહ્યા છે જે ભારતને અસર કરે છે. ટેરિફ વધારો કરવાથી શાંતિ મળી ન હોય તેમ હવે અમેરિકાથી ભારતીયો જે નાણાં સ્વદેશ એટલે કે ભારત મોકલે છે તેના પર તેમની કરડી દ્રષ્ટિ પડી છે. અમેરિકામાં 4પ લાખ પ્રવાસી ભારતીયો છે જેમાં 3ર લાખ ભારતીય મૂળના છે.

ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાં કામ કરી રહેલા વિદેશીઓ જે આવક મેળવે છે અને તેમાંથી સ્વદેશ રહેતાં પોતાના પરિવારજનો,સગાને જે નાણાં મોકલે છે તેના પર પ ટકા જેટલો ટેકસ વસૂલવા ઈચ્છે છે જે અંગે પ્રસ્તાવ રજૂ કરાયો છે. આ નિર્ણયથી અમેરિકામાં જેમને નાગરિકતા મળી નથી તે એચ 1-બી, એલ-1 વીઝા ધારક ભારતીયો સૌથી વધુ અસરગ્રસ્ત બનશે. પ ટકાના હિસાબે અમેરિકાને આ ટેકસથી 1.6 અબજ ડોલરની વધારાની આવક થશે.

ટ્રમ્પ અમેરિકાથી વિદેશ મોકલાતાં નાણાં પર ભારેખમ ટેકસ વસૂલવા ઈચ્છે છે. તેમના પ્રસ્તાવને કારણે અમેરિકામાં વસવાટ કરતાં લાખો વિદેશીઓની ચિંતા વધી છે. જો પ્રસ્તાવ પસાર થઈ ગયો તો દર વર્ષે અમેરિકાથી ભારત મોકલાતાં નાણાંમાં ટેકસ વસૂલીને કારણે ભારતને અબજો રુપિયાનું નુકસાન થશે. અમેરિકી સંસદમાં 389 પાનાનું એક બિલ રજૂ કરાયું છે જેનું શિર્ષક છે ધ વન બિગ બ્યૂટીફૂલ બિલ. આ બિલ સત્તાવાર રીતે એવો પ્રસ્તાવ રજૂ કરે છે કે જે લોકો અમેરિકાના નાગરિક નથી અને અમેરિકામાં રહીને કમાણી કરીને દેશ બહાર નાણાં મોકલે છે તો તેમની પાસેથી પાંચ ટકા ટેકસ વસૂલવામાં આવે. આ રીતે બિન અમેરિકીઓને નિશાન બનાવાયા છે જેમાં બહોળી સંખ્યા ભારતીયોની છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક