• ગુરુવાર, 19 જૂન, 2025

ભારત સાથે વેપાર કરવા પાક.ના હવાતિયાં

ત્રીજા દેશના માધ્યમથી માલ ઘૂસાડવા પ્રયાસ : ભારતની સખતાઈ

નવી દિલ્હી તા.17 : પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે વેપાર પ્રતિબંધ મુકતા ભીંસમાં આવેલા પાકિસ્તાને ત્રીજા દેશના રસ્તે ભારત સાથે વેપાર કરવા હવાતિયાં મારવાનું શરુ કર્યુ છે.

ભારતે આયાત-નિકાસ સંપુર્ણ રીતે બંધ કરી દેતાં પાકિસ્તાનના અર્થતંત્રને ગંભીર ફટકો પડશે. દરમિયાન પાકિસ્તાને ત્રીજા દેશના માધ્યમથી ભારતમાં માલ ઘૂસાડવા પ્રયાસ શરુ કર્યાનું ધ્યાનમાં આવતાં ભારતીય એજન્સીઓ સક્રિય બની છે. નાણાં મંત્રાલય હેઠળ કામ કરતાં ડીઆરઆઈ વિભાગે એવા માલસામાનને રોકવાનું શરુ કર્યુ છે જે પાકિસ્તાનથી ભારત વાયા યુએઈ કે અન્ય ખાડી દેશોના માધ્યમથી આવે છે. અધિકારી સૂત્રો અનુસાર પાકિસ્તાન સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ વેપાર કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકાયો છે જેને પગલે બંદરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. એવી માહિતી મળી છે કે પાકિસ્તાન કોઈ ત્રીજા દેશના માધ્યમથી ભારત સાથે વેપાર કરવા પ્રયાસ કરી રહયું છે. જેથી પાકિસ્તાની માલ ઉપર જો કોઈ ત્રીજા દેશનું લેબલ હોય તો પણ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

160 અફઘાની ટ્રકનું સ્વાગત

પાકિસ્તાન સાથે વેપાર બંધ કર્યા બાદ ભારતે અફઘાનિસ્તાન તરફ નજર દોડાવી જરુરી વેપાર વધાર્યો છે. અટારી સરહદેથી અફઘાનિસ્તાનના 160 ટ્રકને ખાસ એન્ટ્રી આપવામાં આવી છે. ડ્રાય ફ્રૂટસ, ફળો સહિત અફઘાની સામાન ભરેલા ટ્રકો ભારત પહેંચી ચૂકયા છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક