નવી દિલ્હી, તા. 19 : સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી વિજય શાહને ભારતીય સેનાના અધિકારી સોફિયા કુરૈશી ઉપર ટિપ્પણી બદલ આકરી ફટકાર મુકી છે. સુપ્રીમ કોર્ટે શાહ તરફથી માગવામાં આવેલી માફીનો અસ્વીકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, નિવેદન આપ્યું છે તેનું પરિણામ ભોગવવું પડશે. આ સાથે શીર્ષ અદાલતે તપાસ માટે એસઆઈટીનું ગઠન કરવાનો આદેશ આપ્યો છે.
શીર્ષ અદાલતે સુનાવણી દરમિયાન
કહ્યું હતું કે આરોપી પબ્લિક ફિગર છે અને અનુભવી રાજનેતા છે. તેઓએ સમાજમાં એક ઉદાહરણ
રજૂ કરવું જોઈએ અને બોલતા સમયે શબ્દો ઉપર વિચાર કરવો જોઈએ. આ સશત્ર દળ માટે મહત્વપુર્ણ
મુદ્દો છે અને જવાબદાર બનવાની જરૂરીયાત છે. શીર્ષ અદાલતે વિજય શાહની માફીને પણ ખારજ
કરી દીધી હતી. શાહના વકીલે કહ્યું હતું કે મંત્રીએ માફી માગી છે. તો જસ્ટિસ સુર્યકાંતે
કહ્યું હતું કે આ કેવી માફી છે ? કોર્ટે માફીનો વિડિયો બતાવવા કહ્યું હતું. તેમજ અમુક
લોકો ઈશારામાં માફી માગે છે અને ખોટા આંસુ વહાવતા હોવાનું કહ્યું હતું. કોર્ટે કહ્યું
હતું કે આવી માફી જોઈતી નથી. પહેલા ભુલ કરવામાં આવે છે અને પછી કોર્ટમાં દોડયા આવે
છે. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે વિજય શાહે ખુબ જ ગંદી ભાષાનો ઉપયોગ કર્યો છે.
મંત્રીના નિવેદનથી પુરો દેશ શર્મસાર છે.