યુનુસ સરકાર બોલી, ભારત સાથે તમામ મુદ્દા વાતચીત મારફતે ઉકેલાશે
ઢાકા, તા. 19 : ભારતે ભૂમિ બંદરો
મારફતે બંગલાદેશના રેડિમેડ વત્ર અને અન્ય વસ્તુઓની નિકાસ ઉપર પુરી રીતે પ્રતિબંધ લાદી
દીધો છે. વધુમાં આવી તમામ વસ્તુઓના આયાતને પણ રોકી દેવામાં આવી છે. ભારતના આ નિર્ણયને
બંગલાદેશ સામેની જવાબી કાર્યવાહી ગણવામાં આવે છે. તેવામાં હવે બંગલાદેશની વચગાળાની
સરકારની પ્રતિક્રિયા સામે આવી છે. બંગલાદેશના વાણિજ્ય સલાહકાર શેખ બશીરુદ્દીને કહ્યું
છે કે તેમની સરકાર ભારત સાથે તમામ પ્રકારના વ્યાપારિક મુદ્દા વાતચીતના માધ્યમથી ઉકેલવા
પ્રતિબદ્ધ છે. શેખ બશીરુદ્દીને કહ્યું હતુ કે, ભારત સરકાર તરફથી પ્રતિબંધોના નિર્ણયની
કોઈ સત્તાવાર સુચના મળી નથી. જ્યારે સત્તાવાર સુચના મળશે ત્યારે જ યોગ્ય કાર્યવાહી
કરી શકાશે. જો કોઈ સમસ્યા થશે તો પરસ્પર સંવાદથી તેનો ઉકેલ કરવામાં આવશે.