• ગુરુવાર, 19 જૂન, 2025

પાક.ની પોલ ખોલવાનું અભિયાન આજથી શરૂ

-ભારતનાં 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ 33 દેશોમાં પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર મુદ્દે દુનિયાનું સમર્થન હાંસલ કરશે

 

 

 

નવીદિલ્હી, તા.20: પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર મુદ્દે વૈશ્વિક કૂટનીતિક સમર્થન સુનિશ્ચિત કરવા માટે રચાયેલા સાત સંસદીય દળ 21મી એટલે કે આવતીકાલથી પ જૂન સુધીમાં 33 દેશોનાં પ્રવાસ કરશે અને આ પ્રતિનિધિમંડળમાં સામેલ 51 નેતાઓ અને 8 રાજદ્વારી પાકિસ્તાનમાં મોજૂદ વૈશ્વિક આતંકી માળખા અને તેનાં સમર્થકોની પોલ દુનિયા સામે ખોલશે.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ભારતનો પક્ષ રજૂ કરવા માટે વિભિન્ન દેશોની યાત્રાએ જનાર સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોને માહિતગાર કર્યા હતાં. આ બેઠકમાં જેડીયુનાં સંજય જહા, શિવસેનાનાં શ્રીકાંત શિંદે, ડીએમકેનાં કનિમોઝીનાં નેતૃત્વવાળા પ્રતિનિધિમંડળનાં સદસ્યોએ ભાગ લીધો હતો. જેમાં તેમને એજન્ડાનાં મહત્વનાં બિંદુઓની જાણકારી અપાઈ હતી. તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ અભિષેક બેનરજી પણ બેઠકમાં સામેલ થયા હતાં. બેનરજી સંજય જહાનાં નેતૃત્વવાળા સંસદીય દળનાં સદસ્ય છે અને તે જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, ઈન્ડોનેશિયા અને સિંગાપોર જશે.

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનાં પ્રથમ ગ્રુપમાં સાત સાંસદો ભાજપનાં સાંસદ બૈજયંત પાંડાનાં નેતૃત્વમાં સાઉદી અરબ, કુવૈત, બહેરીન અને અલ્જીરિયા જશે. ભાજપનાં સાંસદ રવિશંકર પ્રસાદનાં નેતૃત્વમાં બીજો સમૂહ યુકે, જર્મની, ફ્રાન્સ, યુરોપ, ઈટલી અને ડેન્માર્ક જશે. ત્રીજુ ગ્રુપ જેડીયુનાં સાંસદ સંજય કુમારનાં નેતૃત્વમાં ઈન્ડોનેશિયા, મલેશિયા, કોરિયા ગણરાજ્ય, જાપાન જશે. ચોથો સમૂહ શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેનાં નેતૃત્વમાં યુએઈ, લાઈબેરિયા, કોંગો, સિએરા લિયોન જશે. કોંગ્રેસનાં સાંસદ શશિ થરૂરનાં નેતૃત્વમાં સાંસદોનું દળ અમેરિકા, પનામા, ગુયાના, બ્રાઝિલ અને કોલમ્બિયા જશે. છઠ્ઠું પ્રતિનિધિમંડળ ડીએમકેનાં સાંસદ કનિમોઝીનાં નેતૃત્વમાં સ્પેન, ગ્રીસ, સ્લોવેનિયા, લાતવિયા અને રશિયા જશે. જ્યારે સાતમુ ગ્રુપ એનસીપી(એસપી)નાં સાંસદ સુપ્રિયા સુલેનાં નેતૃત્વમાં ઈજિપ્ત, કતાર, ઈથિયોપિયા, દક્ષિણ આફ્રિકા જશે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર ભાજપનાં ઉપાધ્યક્ષ બૈજયંત પાંડાનાં નેતૃત્વવાળુ જૂથ 23મીએ બહેરીન, 2પમીએ કુવૈત, 27મીએ સાઉદી અરબ અને 30મીએ અલ્જીરિયા જશે. તો રવિશંકર પ્રસાદનાં વડપણ હેઠળ પ્રતિનિધિમંડળ 2પમી એ ફ્રાન્સ, 27મીએ ઈટલી, 29મીએ ડેન્માર્ક અને 1 જૂને બ્રિટન, પ જૂને જર્મની જશે. જેડીયુનાં અધ્યક્ષ સંજય જહાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ 22મીએ જાપાન, 24મીએ દક્ષિણ કોરિયા, 27મીએ સિંગાપોર, 28મીએ ઈન્ડોનેશિયા અને 31મીએ મલેશિયા જશે. શિવસેનાનાં શ્રીકાંત શિંદેનાં વડપણમાં સંસદીય દળ 21મીએ યુએઈ, 24મીએ કોંગો, 28મીએ સિએરા લિઓન, 31મીએ લાઈબેરિયા જશે. તો કોંગ્રેસનાં શશિ થરૂરનાં નેતૃત્વવાળુ પ્રતિનિધિમંડળ 2પમીએ ગુયાના, 27મીએ પનામા, 29મીએ કોલમ્બિયા, 31મીએ બ્રાઝિલ અને 3 જૂને અમેરિકા જશે. કનિમોઝીનાં વડપણ હેઠળ પ્રનિનિધિમંડળ 22મીએ રશિયા જશે અને 31મીએ સ્પેન પહોંચશે. જ્યારે સુપ્રિયા સુલેનું પ્રતિનિધિમંડળ 24મીએ કતારથી યાત્રા શરૂ કરીને 1 જૂને અંતિમ મુકામ ઈજિપ્ત પહોંચશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક