નવીદિલ્હી,તા.20: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓનો સફાયો કરવા માટે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું અને તેનાં જવાબમાં રઘવાયા બનેલા પાકિસ્તાને એકાદ હજાર જેટલા ડ્રોન અને મિસાઈલ દાગી દીધા હતાં. જેને ભારતીય સશત્ર દળોએ ધ્વસ્ત કરી પાડયા હતાં. આ તોડી પાડવામાં આવેલા ડ્રોન અને મિસાઈલનાં કાટમાળની તસ્વીરો પણ જાહેર કરવામાં આવેલી. પાકિસ્તાને ભારતને નિશાન બનાવવા માટે તુર્કીનાં ડ્રોન અને ચીનની પીએલ-15ઈ મિસાઈલ વાપરી હતી. હવે આ ડ્રોન અને ખાસ કરીને ચાઈનીઝ મિસાઈલનો મલબો તપાસવામાં જાપાન, ફ્રાન્સ સહિતનાં દેશોને રસ પડયો છે અને તેમણે આ કાટમાળ ભારત પાસે માગ્યો પણ છે.
નિષ્ણાતોનાં
કહેવા અનુસાર ચીન દ્વારા નિર્મિત મિસાઈલનો કાટમાળ બરામદ થવો એક મોટી સફળતા છે. તેનાથી
તેની મારક ક્ષમતા અને રેન્જ અંગે બહુમૂલ્ય જાણકારીઓ ઉજાગર થઈ શકે તેમ છે. આ માહિતીનો
ઉપયોગ ચીનની તાકાતનો તોડ કાઢવામાં થઈ શકે છે. ચીન સામે રણનીતિ તૈયાર કરવા માટે આ માહિતીઓ
અત્યંત કારગત સાબિત થઈ શકે તેમ હોવાથી જાપાન અને ફ્રાન્સ સહિતનાં દેશોને તેમાં રુચિ
જાગી છે.