દિવા અને મુંબ્રા રેલવે સ્ટેશન સામસામી દિશામાં જતી લોકલમાંથી પડતાં ચારનાં મૃત્યુ, બે મહિલા સહિત નવ ગંભીર
મુંબઈ,
તા. 9 : સેંટ્રલ રેલવેમાં દિવા અને મુંબ્રા રેલવે સ્ટેશનની વચ્ચે સોમવારે સવારના 9.30
વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી કસારા જઈ રહેલી અને સામેની દિશામાંથી
સીએસએમટી તરફ આવી રહેલી ટ્રેનમાંથી 13 પ્રવાસી ચાલતી ટ્રેનમાંથી પાટા પર પડયા હતા.
જેમાં ચાર પ્રવાસીનાં મૃત્યુ થયાં હતાં અને બે મહિલા સહિત નવ લોકોને કલવા અને મુંબ્રાની
હૉસ્પિટલમાં એડ્મિટ કરવામાં આવ્યાં હતાં. ઘટના બની ત્યાં વળાંક છે અને ત્રણ અને ચાર
નંબરની રેલવેલાઇન ઘણી નજીક આવી જાય છે એટલે દરવાજા પર ઊભેલા પ્રવાસીઓની બૅગ અથડાવાથી
લોકો પડી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. સવારે ધસારાના સમયે બે ટ્રેનમાંથી એક પછી એક
પ્રવાસીઓ પડેલા જોઈને લોકો ચોકી ઊઠયા હતા. રેલવેના ઈતિહાસમાં કદાચ પહેલી વખત આસપાસમાંથી
પસાર થતી બે ટ્રેનના પ્રવાસીઓ અથડાઈને નીચે પડવાની આ પહેલી ઘટના છે. આ ગોજારા બનાવથી
સોમવારે લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન ડેથલાઇન બની ગઈ હતી.
રેલવેના
જણાવ્યા મુજબ દિવા અને મુંબ્રા રેલવે સ્ટેશન વચ્ચે લાઇન નંબર ત્રણ અને લાઇન ચારની વચ્ચે
સવારના 9.30 વાગ્યે કેટલાક લોકો ચાલતી ટ્રેનમાંથી બે પાટાની વચ્ચે પડયા હોવાની માહિતી
મળી હતી. બનાવની જાણ થતાં રેલવે પોલીસની સાથે ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. પાટાની
વચ્ચે પડી ગયેલા લોકોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. રેલવેના
ટૅક પાસે બે મહિલા સહિત 13 લોકો પડયાં હતાં. આ લોકોની હૉસ્પિટલમાં સારવાર થતી હતી ત્યારે
કેતન સરોજ, રાહુલ ગુપ્તા, મયૂર શાહ અને રેલવે પોલીસના કૉન્સ્ટેબલ વિકી મુખ્યદલનાં મૃત્યુ
થયાં હતાં. બાકીના લોકોની સારવાર ચાલી રહી છે.