પશ્ચિમી તાકાતો સામે નિક્રિય ત્રિપક્ષીય મંચને બેઠું કરવા રશિયાએ જોર લગાવ્યું
મોસ્કો,
તા.10 : ભારત-રશિયા-ચીનની નિક્રિય ત્રિપુટીને ફરી બેઠી કરવા રશિયાએ જોર લગાવ્યું છે.
તાજેતરના વર્ષોમાં વૈશ્વિક ભૂ-રાજનીતિમાં મોટો બદલાવ આવ્યો છે. નવા રાજકીય અને ભૌગોલિક
સમીકરણો રચાયા છે તેવા સમયે રશિયાની પ્રબળ ઈચ્છા છે કે ભારત-રશિયા અને ચીન સંગઠનાત્મક
રીતે એક થાય. રશિયાએ નીચલા સ્તરે આ મામલે વાતચીત પણ શરૂ કરી દીધી છે. ભવિષ્યમાં જે
વિદેશ મંત્રી સ્તરે પહોંચવાનો
આશાવાદ
છે.
રશિયાના
વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે તાજેતરમાં આ મુદ્દે જાહેરમાં વાત કરી હતી. હવે ફરી એકવાર
તેમણે કહયુ કે ભારત અને ચીન વચ્ચે તણાવમાં
તાજેતરના સમયમાં ઘટયો છે અને ત્રિપક્ષીય સમૂહ આરઆઈસી (રશિયા-ભારત-ચીન)નું અટકાયેલું
કામ ફરી શરૂ થઈ શકે છે. રશિયાની રાજધાની મોસ્કો ખાતે ર0પ0 ભવિષ્યનો મંચ વિષય પર સંબોધનમાં
લાવરોવે કહયું કે આરઆઈસી સમૂહમાં સંયુક્ત કાર્યની બહાલી બહુધ્રુવિય માળખું સહિત યૂરેશિયાઈ
પ્રક્રિયાઓની દિશામાં પહેલું પગલું હોઈ શકે છે. પશ્ચિમી દેશો ખાસ કરીને અમેરિકા-નાટો
પર ભારત અને ચીન વચ્ચે તણાવ વધુ ભડકાવવાના પ્રયાસનો આરોપ લાગી ચૂક્યો છે. રશિયા આવા
પ્રયાસ ઉપર ઠંડુ પાણી રેડવાની દિશામાં કામ કરી રહ્યું છે. રશિયા ચીન સાથે સમતોલન સાધવા
માટે પણ આ મંચની સક્રિયતાને જરૂરી માને છે કારણ કે ચીનની વિસ્તારવાદી નીતિ ભવિષ્યમાં
રશિયા માટે મુશ્કેલી સર્જી શકે છે. ભારતની રણનીતિક સ્વાયતતાને પણ રશિયા મહત્ત્વની માને
છે.
રશિયા-ભારત-ચીન
(આરઆઈસી) ત્રિપક્ષીય મંચની શરુઆત 1990ના દાયકામાં શરૂ થઈ હતી જ્યારે રશિયાના તત્કાલિન
વિદેશ મંત્રી યેવગેની પ્રિમાકોવે તેને અમેરિકા કેન્દ્રિત એકધ્રુવીય વિશ્વ વ્યવસ્થાના
વૈકલ્પિક રણનીતિક ગઠબંધન રુપે પ્રસ્તાવિત કર્યુ હતુ.ર000ના દાયકામાં આ મંચ બ્રિકસ અને
શાંઘાઈ સહયોગ સંગઠન જેવા અન્ય બહુપક્ષિય મંચોના પૂરક તરીકે કામ કરતું રહયું હતુ. હવે
રશિયા ફરી એકવાર આ ત્રિપક્ષિય મંચને સક્રિય કરવા જોર લગાવી રહ્યું છે.