• ગુરુવાર, 19 જૂન, 2025

ટેક્નોલોજી બેધારી તલવાર : સીજેઆઇ

ન્યાયની પહોંચ વધારવા તેનો વધુ ઉપયોગ જરૂરી, પણ નિર્ણયની પ્રક્રિયા બદલવી જોઇએ નહીં

નવી દિલ્હી, તા. 10 (પીટીઆઇ) : ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઇએ કહ્યું છે કે, ટેકનોલોજી એક બેધારી તલવાર છે. આવી નવીનતાઓનો ન્યાયતંત્રના વહીવટમાં  ઉપયોગ વધવો જોઇએ, પણ નિર્ણય લેવાની પ્રક્રિયા બદલવી જોઇએ નહીં.

નવ જૂનના કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે ન્યાયની પહોંચ સુધારવા માટે ટેકનોલોજીની ભૂમિકા વિષય પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં બોલતા સીજેઆઇએ ભારત જેવા વિશાળ, વૈવિધ્યસભર અને જટિલ દેશમાં ન્યાયની પહોંચ વધારવામાં ટેકનોલોજીની પરિવર્તનશીલ શક્તિ પર ભાર મૂક્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, આપણે એ પણ સ્વીકારવું જોઇએ કે, ટેકનોલોજી બેધારી તલવાર તરીકે કાર્ય કરી શકે છે, જે વિભાજન તરફ દોરી શકે છે. એક પ્રાથમિક ચિંતા ડિજિટલ વિભાજન છે, જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી, ઉપકરણો અને ડિજિટલ સાક્ષરતાની પહોંચ ન હોવાને લીધે એક્સેસ હાંસિયામાં ધકેલાઇ ગયેલા તથા પહેલાંથી જ ન્યાયમાં  અવરોધોનો સામનો કરી રહેલા સમુદાયો (અધિકારોથી) બાકાત રહી શકે છે. ટેકનોલોજી ખરેખર ન્યાયની સેવા કરે તે માટે સુલભતા અને સીમાવર્તીપણું તેની રચનાનો પાયો હોવો જોઇએ.

તેમણે કહ્યું હતું કે, એક એવા દેશમાં જ્યાં બે તૃતીયાંશથી વધુ વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અને 121થી વધુ ભાષાઓ માતૃભાષા તરીકે બોલાય છે, ત્યાં  અદાલતોમાં સમાન પ્રવેશ સુનિશ્ચિત કરવો એ બંધારણીય ફરજ અને નૈતિક આવશ્યક્તા બંને છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક