ટ્રમ્પે મધ્યસ્થતાનો દાવો પાછો ખેંચ્યો, મુનીરે ટ્રમ્પને શ્રેય આપ્યો અને હવે પાક. સરકારે કંઈક નવો જ રાગ તાણ્યો
નવી
દિલ્હી,તા.20: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે વારંવાર દાવા કર્યા પછી
ફેરવી તોળતા ભારત-પાક. વચ્ચે સૈન્ય ઘર્ષણ પોતે નહીં અટકાવ્યાનું કબૂલી લીધા બાદ બન્ને
દેશ વચ્ચે યુદ્ધ રોકવા બદલ ટ્રમ્પને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ તેવી ચાપલુસી કરનાર પાક.નાં
સેનાધ્યક્ષ આસિમ મુનીરથી વિપરિત પાકિસ્તાનનાં ઉપપ્રધાનમંત્રી ઈસહાક ડારે પહેલીવાર જાહેરમાં
સ્વીકાર્યુ છે કે, ભારતને પાક. ઉપર હુમલો નહીં કરવા માટે સાઉદી પ્રિન્સે મનાવ્યું હતું.
ડારે
ઓપરેશન સિંદૂર વિશે કબૂલાત આપતા કહ્યું હતું કે, આ કાર્યવાહીમાં ભારતીય સેનાએ રાવલપિંડી
સ્થિત નૂર ખાન એરબેઝ અને શોરકોટ એરબેઝ ઉપર હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાક.ની
સરકાર અને સેના વારંવાર ભારતની કાર્યવાહીથી પોતાને થયેલું નુકસાન નકારતા આવ્યા છે ત્યારે
ડારે પહેલીવાર આની કબૂલાત આપીને પાક.નાં જૂઠાણાનાં વટાણા વેરી નાખ્યા છે.
તેમણે
આગળ કહ્યું હતું કે, ભારતનાં હુમલા બાદ તુરંત સાઉદી પ્રિન્સ ફૈસલ બિન સલમાને તાત્કાલિક
તેમનો સંપર્ક કર્યો હતો અને ઈચ્છા દર્શાવી હતી કે, તેઓ ભારતનાં વિદેશ મંત્રી એસ. જયશંકર
સાથે વાત કરીને તનાવ ઘટાડવામાં મદદ કરવા માગે છે. સાઉદી પ્રિન્સે તેમને પૂછ્યું હતું
કે, શું તેઓ ભારતને એવું કહી શકે કે પાકિસ્તાન અટકવા માટે તૈયાર છે.