નવી દિલ્હી, તા.21: ઈરાન અને ઈઝરાયલનાં ઘર્ષણ મુદ્દે કોંગ્રેસનાં સંસદીય દળનાં પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકાર ઉપર આરોપોનો મારો ચલાવ્યો છે. તેમણે કહ્યું છે કે, મોદી સરકારે ગાઝાની સ્થિતિ અને ઈઝરાયલ-ઈરાન સૈન્ય અથડામણમાં મૌન ધારણ કરીને દેશનાં નૈતિક અને પરંપરાગત અભિગમથી અંતર કરી નાખ્યું છે. ભારતનાં મૂલ્યોને અભેરાઈએ ચડાવી દેવાયા છે. સરકારે બોલવું જોઈએ અને પશ્ચિમ એશિયામાં સંવાદને પ્રોત્સાહિત કરવા માટે ઉપલબ્ધ તમામ રાજદ્વારી માધ્યમોનો ઉપયોગ કરવાની જરૂર છે.
કોંગ્રેસનાં
નેતાએ એક અંગ્રેજી અખબારમાં પોતાનાં લેખમાં આરોપ મૂકતા લખ્યું છે કે, મોદી સરકારે ઈઝરાયલ
અને પેલેસ્ટાઈનનાં રૂપમાં બે રાષ્ટ્રવાળા સમાધાન સંબંધિત ભારતનાં સૈદ્ધાંતિક વલણને
ત્યાગી દીધું છે. ઈરાન પણ લાંબા સમયથી ભારતનું મિત્ર રાષ્ટ્ર રહ્યું છે. ગાઢ સભ્યતાગત
સંબંધોથી તે ભારત સાથે જોડાયેલું છે. તેનો જમ્મુ-કાશ્મીર સહિતનાં અનેક મહત્ત્વનાં મુદ્દાઓ
ઉપર ભારતને સમર્થનનો ઈતિહાસ રહ્યો છે. વર્ષ 1994માં ઈરાને જ કાશ્મીર મુદ્દે સંયુક્તરાષ્ટ્ર
માનવ અધિકાર આયોગમાં ભારતની આલોચના કરતાં પ્રસ્તાવને રોકવામાં મદદ કરવામાં આવી હતી.
સોનિયા ગાંધીએ આગળ લખ્યું હતું કે, તાજેતરનાં દાયકાઓમાં ભારત અને ઈઝરાયલે વ્યૂહાત્મક
સંબંધો વિકસિત કર્યા છે. આ અદ્વિતીય સ્થિતિ ભારતને આ તનાવ ઘટાડવામાં અને શાંતિ માટે
એક સેતુ તરીકે કામ કરવાની નૈતિક જવાબદારી અને રાજકીય અવસર પણ આપી જાય છે.