નવી
દિલ્હી, તા.1પ: અમદાવાદમાં એર ઈન્ડિયાનાં વિમાનની દુર્ઘટના સંબંધિત વધુ એક ચોંકાવનારી
અને મહત્ત્વની જાણકારી પ્રકાશમાં આવી છે. અમદાવાદમાં આ ભીષણ અકસ્માત 12મી જૂને સર્જાયો
હતો અને તેનાં ફક્ત ચાર અઠવાડિયા પહેલા જ બ્રિટિશ સિવિલ એવિએશન ઓથોરિટી(સીએએ) તરફથી
બોઈંગનાં અનેક વિમાનોમાં ફ્યૂલ કંટ્રોલ સ્વીચમાં ખામીની ચેતવણી જારી કરવામાં આવી હતી.
આટલું જ નહીં તેનાં દ્વારા સ્વીચની રોજિંદી તપાસનો આદેશ પણ આપવામાં આવેલો. જો આ જાણકારી
એર ઈન્ડિયા કે ડીજીસીએ સુધી સમયસર પહોંચી હોત તો કદાર અમદાવાદમાં 270 લોકોનાં જીવ બચી
શક્યા હોત.
યુકેની
સીએએ દ્વારા 15મી મેનાં રોજ એક સુરક્ષા નોટિસ જારી થઈ હતી. જેમાં અમેરિકી વિમાન ઉત્પાદક
કંપની બોઈંગનાં 787 ડ્રીમલાઈનર સહિત પાંચ મેડેલનાં ઓપરેટરોને અમેરિકી ફેડરલ એવિએશન
ઓથોરિટી(એફએએ)નાં એરવર્ધીનેસ ડાયરેક્ટિવ(એડી) નિર્દેશો અનુસાર સ્વીસની ચકાસણી કરવા
કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, એડી કાનૂનીરૂપે લાગુ થતો નિયમ છે. એફએએનાં
નિર્દેશમાં એન્જિન બંધ કરવાનાં વાલ્વ એક્ટયુએટર્સને સંભવિત સુરક્ષા ચિંતા તરીકે ચિહ્નિત
પણ કરવામાં આવ્યા હતાં.
આ મામલો
ત્યારે ઉજાગર થયો છે જ્યારે ભારતમાં વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો(એએઆઈબી)એ એર ઈન્ડિયાનાં
વિમાનની દુર્ઘટના ફ્યૂલ કંટ્રોલ સ્વીચ બંધ થવાનાં હિસાબે ઘટયાનું તારણ આપ્યું છે. જો
કે તે એફએએ દ્વારા જ ભારતમાં એએઆઈબીનાં પ્રારંભિક રિપોર્ટમાં ફ્યૂલ સ્વીચ સામે આશંકા
વ્યક્ત થઈ તેનાં એક દિવસ પહેલા એટલે કે 11 જુલાઈએ એક નોટિસમાં કહેવામાં આવ્યું હતું
કે, ફ્યૂલ કંટ્રોલ સ્વીચની ડિઝાઈનમાં કોઈ સુરક્ષા જોખમ નથી.