હાઈકોર્ટનાં
ચુકાદા સામે દાખલ થયેલી અપીલો સુપ્રીમ કોર્ટમાં ખારિજ
નવી
દિલ્હી, તા.30: દેશને હચમચાવી નાખનારા નિઠારી હત્યાકાંડમાં સુપ્રીમ કોર્ટે મોટો ફેંસલો
આપતાં બન્ને આરોપી સુરેન્દ્ર કોલી અને મનિંદર સિંહ પંઢેરને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે
અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં આદેશ વિરુદ્ધ સીબીઆઈ, ઉત્તરપ્રદેશ
સરકાર અને પીડિત પરિવારોની અપીલ ખારિજ કરી નાખી છે. પંઢેર વિરુદ્ધ દાખલ અપીલને પણ કોર્ટે
નકારી દીધી છે. હાઈકોર્ટે પુરાવાનાં અભાવે બન્ને આરોપીને દોષમુક્ત ઠરાવ્યા હતાં.
સુપ્રીમ
કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટનાં 16 ઓક્ટોબર 2023નાં આદેશને યથાવત રાખ્યો છે. હાઈકોર્ટે
નીચલી અદાલતનાં ચુકાદાને પલટતા પંઢેર અને કોલીને છોડી મૂક્યા હતાં. ઉલ્લેખનીય છે કે,
બન્ને આરોપી ઉપર 2006માં નોઈડા આસપાસનાં વિસ્તારનાં બાળકોનાં જાતીય શોષણ અને હત્યાનાં
આરોપો મૂકવામાં આવ્યા હતાં.
સુપ્રીમ
કોર્ટે સુરેન્દ્ર કોલીને દોષમુક્ત કરવાનાં ચુકાદા સામે દાખલ થયેલી 14 અપીલ નકારી કાઢી
છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, આરોપી સુરેન્દ્ર કોલીને છોડી મૂકવાનાં આદેશમાં
કોઈ જ ગડબડ થઈ નહોતી. અદાલતે આગળ કહ્યું હતું કે, ખુલ્લા નાળામાંથી મળેલી પીડિતોની
ખોપડીઓ અને અન્ય સામાન સુરેન્દ્ર કોલીનાં નિવેદન પછી મળ્યાં હોય તેવું નહોતું.