• મંગળવાર, 14 એપ્રિલ, 2026

અમેરિકાની પાકિસ્તાન સાથે ક્રૂડ સંધિ !

ભવિષ્યમાં ભારતને તેલ વેંચશે પાકિસ્તાન: ટ્રમ્પનો દાવો, ડીલના એલાન ઉપર શાહબાઝનું થેંક્યુ

નવી દિલ્હી, તા. 31 : ભારત ઉપર 25 ટકા ટેરિફ લાદનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ખુબ મોટી ડીલ કરી છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે અમેરિકાએ પાકિસ્તાનના ક્રૂડ ભંડારને વિકસિત કરવામાં મદદ કરવાની તૈયારી કરી છે. આટલું જ નહીં ટ્રમ્પે એવો ગાંડપણ ભર્યો દાવો કર્યો છે કે કદાચ ભવિષ્યમાં એવું બનશે કે પાકિસ્તાન ભારતને ક્રૂડ વેચશે. આ ડીલ બાદ પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે ટ્રમ્પનો આભાર માન્યો હતો. ભારત સાથે ટેરિફ ડીલ મુદ્દે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે હજી વાતચીત ચાલી રહી છે.

ટ્રમ્પના કહેવા પ્રમાણે ખુબ મોટા ઓઈલ ભંડારને વિકસિત કરવા માટે અમેરિકાએ પાકિસ્તાનની મદદ કરવાની ડીલ કરી છે. જો કે હજી સુધી સાફ નથી થયું કે કઈ કંપનીને કામ સોંપવામાં આવશે. ટ્રુથ સોશિયલ ઉપર ટ્રમ્પે લખ્યું હતું કે પાકિસ્તાન સાથે એક ડીલ પૂરી કરવામાં આવી છે. જેમાં પાકિસ્તાન અને અમેરિકા ઓઈલ ભંડારને વિકસિત કરવામાં સાથે મળીને કામ કરશે. આ માટે એક કંપનીની પસંદગી કરવાની પ્રક્રિયા થઈ રહી છે. જે ભાગીદારીની આગેવાની કરશે. કોણ જાણે કોઈ દિવસ પાકિસ્તાન ભારતને ક્રૂડ વેચી શકે.

બીજી તરફ અમેરિકા સાથે થયેલી વ્યાપારિક સમજૂતીને ઐતિહાસિક ગણાવતા પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે ટ્રમ્પનો આભાર માન્યો હતો અને બન્ને દેશ વચ્ચે સહયોગ વધવાની આશા વ્યક્ત કરી હતી. 

 

ઇ-પેપરના નવા શુલ્ક