નવી દિલ્હી, તા. 31 : ભારતે પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો આપવાની તૈયારી કરી લીધી છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી ઉપર એક મોટી જળવિદ્યુત પરિયોજના શરૂ કરવાનું એલાન કર્યું છે. સાવલકોટ પરિયોજના 1856 મેગાવોટ વિજ ઉત્પાદનની ક્ષમતા રાખે છે અને તેના માટે ટેન્ડર પણ જારી કરી દેવાયું છે. વધુમાં સિંધૂ નદીનું પાણી કાશ્મીરથી થઈને પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં પહોંચશે. બીજી તરફ પાકિસ્તાનમાં તંગીનો માહોલ બનશે.
રિપોર્ટ અનુસાર પરિયોજના જમ્મુ
કાશ્મીરના રામબન જીલ્લાના સિદ્ધૂ ગામ નજીક બનાવવામાં આવશે. ટેન્ડર જારી ગયા બાદ કંપનીઓને
10 સપ્ટેમ્બર સુધી આવેદન કરવા કહેવામાં આવ્યું છે. આ યોજનાની કલ્પના કોઈ નવી વાત નથી.
પરિયોજનાની શરૂઆત અંદાજીત 60 વર્ષ પહેલા જ થઈ હતી. જો કે ત્યારથી જ યોજના ફાઈલોમાં
દબાયેલી રહી હતી.
હવે સિંધૂ જળ સમજૂતિ ઉપર રોક
લાગ્યા બાદ કેન્દ્ર સરકારે લાંબા સમયથી અટકેલી છ જળ પરિયોજના ફરીથી શરૂ કરવાનો નિર્ણય
લીધો છે. જેના પરિણામે કાશ્મીરમાં અંદાજીત 10,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ શકશે.
વધુમાં પાણીની ઉપલબ્ધતા પણ વધશે અને મેદાની વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા
ઘણા અંશે દૂર થઈ જશે. સરકારના માનવા પ્રમાણે હવે દેશે પોતાના હિસ્સાના પાણીનો પૂર્ણ
ઉપયોગ કરવો જોઈએ.