દહેરાદૂન, તા. 1 : ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી હાલત ખરાબ છે. હિમાચલમાં મોડી રાત્રે ભૂસ્ખલન થતાં ચાર લોકોના મોત થયાં હતાં. પરિસ્થિતિને જોતાં કુલ્લુ સહિત 10 જિલ્લામાં શાળા-કોલેજો બંધ રાખવાના આદેશ અપાયા છે.
એક મીડિયા હેવાલ મુજબ, હિમાચલમાં
ભારે વરસાદ અને ભૂસ્ખલનના લીધે ચંદીગઢ-મનાલી ફોરલેન સહિત પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ
અને અંદાજિત 800 રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. ઉત્તરાખંડમાં કેદારનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ
પર ભૂસ્ખલન બાદ બે યાત્રીનાં મોત અને છ લોકો ઘાયલ થયા હતા, બીજી બાજુ જમ્મુ-કાશ્મીરના
રાજૌરી જિલ્લામાં ભૂસ્ખલનના લીધે 12 ઘર તૂટી ગયા હતા. પંજાબના નવ જિલ્લામાં પૂરના કારણે
અત્યાર સુધી 1312 ગામ અસરગ્રસ્ત થયા છે. જાલંધર અને લુધિયાણાના ઘણા વિસ્તારોમાં ચાર
ફૂટ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે. અમૃતસરના ઘોનેવાલામાં ધુસ્સી બંધ તૂટવાથી આસપાસના
15 કિ.મી. સુધીના વિસ્તારમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. ભાખરા ડેમના ગેટ ચાર ફૂટ સુધી
ખોલવામાં આવ્યા છે.
હરિયાણામાં યમુનાનગર, સિરસા,
પંચકૂલા સહિત છ જિલ્લામાં પણ પૂરથી ભારે નુકસાન થયું છે. સિરસામાં બે મકાનની દીવાલો
પડી ગઈ. એક નહેર તૂટવાથી 50 એકરમાં ફેલાયેલો પાક પાણીમાં ગરકાવ થયો હતો.