નવી દિલ્હી, તા. 1 : સોના અને ચાંદીની કિંમત રોકેટની રફતારથી વધી રહી છે. એક તરફ એમસીએક્સ ઉપર ગોલ્ડ રેટે જૂના તમામ રેકોર્ડ તોડીને પહેલી વખત 1,05,729 રૂપિયા પ્રતિ 10 ગ્રામનું નવું હાઈ લેવલ બનાવ્યું છે. તો બીજી તરફ ચાંદીની કિંમતે પણ મોટી છલાંગ લગાડતા 1,24,990 રૂપિયા પ્રતિ કિલોએ ટ્રેડ થયા હતા. માત્ર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ જ નહી પણ ઘરેલુ માર્કેટમાં પણ સોના અને ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો છે.
એમસીએક્સ ઉપર 3 ઓક્ટોબરના એક્સપાયરીના
સોનાના ભાવ સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોમવારે 1,03,899 રૂપિયાએ ઓપન થયો હતો અને
12 વાગ્યા આસપાસ વધીને 1,05,729 રૂપિયાના હાઈલેવલે પહોંચ્યો હતો. જેમાં 1830 રૂપિયા
પ્રતિ 10 ગ્રામ સુધીની જોરદાર તેજી આવી હતી. એમસીએક્સ ઉપર ચાંદીના ભાવમાં પણ તેજી જોવા
મળી હતી અને 3000 રૂપિયા પ્રતિ કિલોના ઉછાળા સાથે 1,24,990 રૂપિયાના નવા લાઈફ ટાઈમ
હાઈએ ભાવ પહોંચ્યો હતો.
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની
વેબસાઈટ ઉપર અપડેટ કિંમત જોવામાં આવે તો 29 ઓગસ્ટના 24 કેરેટના ભાવ 1,02,388 રૂપિયા
પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે સોમવારે સવારે કિંમત 1,04,792 રૂપિયાએ પહોંચી હતી. એટલે
કે સોનુ 2404 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલું મોંઘું થયું છે.