• મંગળવાર, 12 મે, 2026

ઈઝરાયલે વધાર્યો યુદ્ધનો વ્યાપ : હવે કતારની રાજધાની ઉપર હુમલો

દોહામાં હમાસનાં નેતાઓને ખતમ કરવા હુમલો કર્યાનો ઈઝરાયલનો દાવો : કતારે ગણાવ્યું આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન

નવી દિલ્હી, તા.9: ઇઝરાયલે હવે યુદ્ધનો વ્યાપ વધારતા કતારની રાજધાની દોહામાં પણ હુમલો કર્યો છે. જાણકારી મુજબ, આ હુમલાઓનો ઉદ્દેશ હમાસના નેતાઓનો ખાત્મો કરવાનો હતો. કતાર સરકારે આ હુમલાની આકરી નિંદા કરતાં કહ્યું હતું કે, આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે. ઉલ્લેખનીય છે કે, હમાસનું નિર્વાસિત નેતૃત્વ લાંબા સમયથી કતારમાં રહે છે.

આ ઘટના ત્યારે થઈ છે જ્યારે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ફરીથી યુદ્ધ ભડકી શકે તેવી અટકળો ચાલી રહી છે. ઇઝરાયલે દોહાના રહેણાક વિસ્તારમાં હુમલો કર્યો છે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ-અંસારીએ કહ્યું કે દેશ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરે છે. તેમણે જણાવ્યું કે હુમલો રહેણાક ઈમારતો પર થયો છે, જ્યાં હમાસના પોલિટિકલ બ્યુરોના અનેક સભ્યો રહેતા હતા. આ ઘટના કતાર અને તેના નાગરિકોની સુરક્ષા માટે જોખમરૂપ છે. ઇઝરાયલની સેનાએ ઉત્તરી ગાઝામાં સૈન્ય અભિયાન શરૂ કરતા પહેલા આજે સવારે ગાઝા સિટી ખાલી કરવા માટે ચેતવણી આપી હતી. ગાઝાની લડાઈ દરમિયાન આખા શહેરને ખાલી કરવાની આ પહેલી ચેતવણી છે. ઇઝરાયલના રક્ષામંત્રી યોગાવ ગાલન્ટે જણાવ્યું કે અત્યાર સુધીમાં 30 ઊંચી ઇમારતો તોડી પાડવામાં આવી છે. તેમનો આરોપ છે કે આ ઇમારતોનો ઉપયોગ હમાસના સૈન્ય ઢાંચા તરીકે થઈ રહ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક