• શનિવાર, 14 માર્ચ, 2026

ઓપરેશન સિંદૂર: ઈસરોએ કરી મદદ

ઈસરોનાં વડા નારાયણને કહ્યું, 400થી વધુ વિજ્ઞાનીઓ ચોવીસ કલાક હતાં સક્રિય

નવીદિલ્હી, તા.9: ભારતીય અંતરિક્ષ સંસ્થા(ઇસરો)ના અધ્યક્ષ વી.નારાયણને ઓપરેશન સિંદૂરમાં ઈસરોની ભૂમિકા વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન સહાયતા પૂરી પાડવા માટે 400થી વધુ વૈજ્ઞાનિકો દિવસ-રાત કાર્યરત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ સૈન્ય અભિયાન દરમિયાન પૃથ્વીનાં અવલોકન અને સંચાર ઉપગ્રહોના માધ્યમથી સક્રિય સહાય આપવામાં આવી રહી હતી.

અખિલ ભારતીય વ્યવસ્થાપન સંઘ (એઆઈએમએ)ના બાવનમી રાષ્ટ્રીય મેનેજમેન્ટ પરિષદને સંબોધિત કરતાં નારાયણને કહ્યું હતું કે ઈસરોએ રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ઉપગ્રહ માહિતી ઉપલબ્ધ કરાવી હતી. તેમણે ઉમેર્યું, ઓપરેશન સિંદૂર દરમિયાન બધા ઉપગ્રહો સતત સક્રિય હતા અને તમામ જરૂરિયાતો પૂરી કરતા હતા. 400થી વધુ વૈજ્ઞાનિકોએ સંપૂર્ણ ક્ષમતા સાથે દિવસ-રાત કાર્ય કર્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સશસ્ત્ર સંઘર્ષોમાં અંતરિક્ષ ક્ષેત્રની ભૂમિકા ઉપર વિશેષ ધ્યાન અપાયું હતું. આ દરમિયાન ડ્રોન અને સ્વદેશી ‘આકાશ તીર’ જેવી વાયુ સુરક્ષા સિસ્ટમોની ક્ષમતાઓની પણ વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી.

આ ઉપરાંત નારાયણને જણાવ્યું હતું કે સમાનવ અંતરિક્ષ મિશન ગગનયાન યોજના હેઠળ અત્યાર સુધીમાં 7,700થી વધુ જમીની પરીક્ષણો પૂર્ણ કરવામાં આવ્યા છે અને આગામી સમાનવ અંતરિક્ષ યાત્રા પહેલા 2,300 વધુ પરીક્ષણો કરવામાં આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક