એક
મહિલાનો વીડિયો આવ્યો બહાર : ભારતીય દૂતાવાસ પાસે મદદની અપીલ
નવી
દિલ્હી, તા.10: સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચારની ખિલાફ નેપાળની આધુનિક યુવા
પેઢી એટલે કે જેન-ઝીએ 48 કલાકનાં જ વિદ્રોહમાં સરકાર ઉથલાવી નાખ્યા બાદ દેશમાં અરાજકતા
ફાટી નીકળવાની દહેશત છે. આ બધાં વચ્ચે અનેક ભારતીય પર્યટકો પણ ત્યાં અટવાઈ ગયા હોવાની
સંભાવના છે. તેમને સલામત રીતે પરત મોકલવાની કામગીરી ચાલી રહી છે પણ આ બધા વચ્ચે કેટલાક
ભારતીયો હિંસાનો પણ શિકાર બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
એક
મહિલાનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે દાવો કરે છે કે, ભીડ તેની પાછળ લાકડીઓ લઈને
પડી ગઈ હતી અને તે માંડ જીવ બચાવીને ભાગી હતી. એવી આશંકા છે કે એકલા કેરળનાં જ આશરે
40 જેટલા લોકો નેપાળમાં ફસાયા હોઈ શકે છે. જે મહિલાનો વીડિયો બહાર આવ્યો છે તેનું નામ
ઉપાસના ગિલ છે અને તે વિડીયોમાં કહે છે કે, પ્રવાસીઓને પણ તોફાને ચડેલા નેપાળીઓ છોડી
રહ્યા નથી. ઉપાસનાએ ભારતીય દૂતાવાસને તાત્કાલિક મદદ માટે અપીલ પણ કરી હતી. તેનાં કહેવા
અનુસાર એક વોલીબોલ લીગનાં આયોજન માટે તે નેપાળમાં આવેલી અને જે હોટેલમાં તે રોકાઈ હતી
તેમાં જ આગ લગાડી દેવામાં આવી હતી.