નવી દિલ્હી તા.14 : હિન્દી દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે સંદેશો આપી હિન્દીને જનમાનસની ભાષા ગણાવી હતી. એકસ પોસ્ટ પર તેમણે લખ્યું કે, પ્રિય દેશવાસીઓ, હિન્દી દિવસ પર આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. ભારત મૂળભૂત રીતે ભાષા-પ્રભુત્વ ધરાવતો દેશ છે. સદીઓથી આપણી ભાષાઓ સંસ્કૃતિ, ઇતિહાસ, પરંપરાઓ, જ્ઞાન, વિજ્ઞાન, ફિલસૂફી અને આધ્યાત્મિકતાને પેઢી દર પેઢી આગળ ધપાવવા માટે એક શક્તિશાળી માધ્યમ રહી છે. હિમાલયની ઊંચાઈઓથી લઈને દક્ષિણના દરિયાકિનારા સુધી, રણથી લઈને જંગલો અને ગામડાના ચોપાલો સુધી, ભાષાઓએ દરેક પરિસ્થિતિમાં સંવાદ અને અભિવ્યક્તિ દ્વારા સમાજને એક કર્યો છે. વધુમાં કહ્યંy કે ભારતીય ભાષાઓની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમણે દરેક વર્ગ અને સમુદાયને પોતાને વ્યક્ત કરવાની તક આપી. પછી ભલે તે ઉત્તરપૂર્વનું બિહુ હોય, તમિલનાડુનું ઓવિયાલુનો અવાજ હોય, પંજાબનું લોહરી ગીત હોય, બિહારનું વિદ્યાપતિનું પદાવલી હોય, બંગાળના બૌલ સંતોના ભજન હોય કે ભિખારી ઠાકુરનું બિદેશિયા -આ બધાએ આપણી સંસ્કૃતિને જીવંત અને લોક કલ્યાણકારી બનાવી છે.