• શનિવાર, 14 માર્ચ, 2026

ભારતમાં ટેરિફ સામે લડવાની તાકાત

નાણાંમંત્રી સીતારામનનો ટ્રમ્પને મજબૂત જવાબ; વૈશ્વિક સંસ્થાઓ વિશ્વ સમુદાયનો ભરોસો ખોઇ રહી છે

નવી દિલ્હી, તા. 3 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ  ટ્રમ્પનાં ટેરિફ યુદ્ધનો જવાબ આપતાં ભારતનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે જણાવ્યું હતું કે, ભૂ-રાજકીય સંઘર્ષો સાથે ટેરિફ જેવી કાર્યવાહીથી વૈશ્વિક પુરવઠાની સાંકળમાં જે બદલાવ આવે છે, તેની સામે ભારત મૂકદર્શક બનીને બેસી નહીં રહે.

નવી દિલ્હીમાં કૌટિલ્ય આર્થિક સંમેલનનું ઉદ્ઘાટન કરતાં સીતારામને કહ્યું હતું કે, ભારત તમામ વૈશ્વિક ઝટકા સામે લડવા તૈયાર છે. ટેરિફ જેવાં પગલાંઓ સામે લડવા અમારી પાસે પ્લાન તૈયાર છે.

વૈશ્વિક ઊથલપાથલ છતાં ભારતે પોતાની મજબૂત સ્થિતિ બતાવી છે. દેશની આર્થિક ક્ષમતા પણ વિકસિત થઇ રહી છે.

નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનું લક્ષ્ય 2047 સુધી વિકસિત અર્થવ્યવસ્થા બનવાનું છે. સાથોસાથ આત્મનિર્ભરતા મજબૂત કરવાનું છે.

વિકસિત ભારતનાં લક્ષ્યની પ્રાપ્તિ માટે આઠ ટકાના વિકાસદરની જરૂર છે, તેવું કહેતાં સીતારામને જણાવ્યું હતું કે, વૈશ્વિક વ્યવસ્થા બદલી રહી છે અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશ્વ સમુદાયનો ભરોસો ખોઇ રહી છે. તાજેતરની જી-20 શિખર બેઠકના ઉલ્લેખ સાથે તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક સ્થિરતા બહાલ કરવા માટે તજજ્ઞોએ આ સંસ્થાઓમાં સુધારાની જરૂરત પર ચર્ચા કરી હતી.

આ વખતે કૌટિલ્ય આર્થિક સંમેલનની થીમ ‘ઊથલપાથલભર્યા સમયમાં સમૃદ્ધિની તલાશ’ છે. 30થી વધુ દેશના 75 પ્રતિનિધિ સહિત અનેક તજજ્ઞો પાંચમી ઓકટોબર સુધી ચાલનારાં આ સંમેલનમાં ભાગ લઇ રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક