• સોમવાર, 18 મે, 2026

નકશામાંથી ભૂંસી નાખશું; પાકને ચેતવણી

ભારતીય સેનાવડા જનરલ દ્વિવેદી : આતંકને પોષવો બંધ નહીં કરે, તો હવે અમે છોડવાના નથી

નવી દિલ્હી, તા. 3 : ભારતીય સેનાવડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શુક્રવારે પાકિસ્તાનને કડક ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરના બીજા ભાગમાં ભારત સંયમ નહીં રાખે.

આ વખતે નહીં છોડીએ, નકશામાંથી ભૂંસી નાખશું, તેવી ખતરનાક ચેતવણી સેનાવડાએ આતંકપરસ્ત દેશને આપી હતી.

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સીમાવર્તી ક્ષેત્રની મુલાકાતે પહોંચેલા જનરલ દ્વિવેદીએ કહ્યું હતું કે, આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે, તો નકશામાંથી પાક ભૂંસાઈ જશે. પાકિસ્તાન સીમાપાર આતંકવાદ ફેલાવવાનું બંધ નહીં કરે તો ઓપરેશન સિંદૂરનું બીજું ચરણ જલ્દી શરૂ કરાશે, તેવું તેમણે ઉમેર્યું હતું.

દ્વિવેદી સ્પષ્ટ શબ્દોમાં બોલ્યા હતા કે, ભૂગોળના નકશામાં રહેવું છે કે નહીં, તે પાકિસ્તાને વિચારવું પડશે.

સીમા સુરક્ષાદળ (બીએસએફ) જવાનોનાં મનોબળને વધાવતાં સેનાવડાએ જણાવ્યું હતું કે, અંકુશરેખા પર પાકિસ્તાનની ઘૂસણખોરીની હરકતો જારી છે, પણ નાપાક ઈરાદામાં નિષ્ફળ જ થઈ જાય છે.

ઓપરેશન સિંદૂરની સફળતા પર વાત કરતાં જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, નવ આતંકી ઠેકાણાં નષ્ટ કરી તેના પુરાવા ભારતે આખી દુનિયાને દેખાડી દીધા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક