શહેરમાં 24 કલાક માટે ઈન્ટરનેટ પ્રતિબંધિત
નવી દિલ્હી, તા. 5 : ઓરિસ્સાના
કટકમાં દુર્ગા પૂજાના વિસર્જનની રેલી દરમિયાન બે જૂથ વચ્ચે જોરદાર પથ્થરમારો અને ઘર્ષણ
થયું હતું. સ્થિતિ એટલી હદે વણસી હતી કે ઉપદ્રવીઓએ પોલીસ ઉપર જ હુમલા શરૂ કરી દીધા
હતા. આ હુમલામાં એક ડીસીપી સહિત ઘણા પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. તણાવ વધતા જ
પૂરા વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું હતું. સરકારે 24 કલાક માટે મોબાઈલ ડેટા અને
બ્રોડબેન્ડ સર્વિસ રોકી દીધી હતી. જેથી સોશિયલ મીડિયા ઉપર અફવા ન ફેલાય.
મળતી વિગત પ્રમાણે કટક શહેરમાં
દુર્ગા પૂજાનું સમાપન થઈ રહ્યું હતું અને રાત્રીના એક વાગ્યા આસપાસ મુર્તિ વિર્સજન
માટે લોકો નીકળ્યા હતા. આ દરમિયાન બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં વાત
પથ્થરમારા સુધી પહોંચી ગઈ હતી. પોલીસ તાકીદે મામલો થાળે પાડવા પહોંચી હતી પણ ઉપદ્રવીઓએ
પોલીસ ઉપર જ હુમલો કરી દીધો હતો. જેમાં ડીસીપી રિશિકેશ ખિલ્લરીને ઈજા પહોંચી હતી.
કટકના એડિશનલ પોલીસ કમિશનર નરસિંહ
ભોલોના કહેવા પ્રમાણે આ મામલામાં તાકીદે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સ્થિતિ
નિયંત્રણમાં છે. તેમ છતાં સતર્કતા રાખવી પડશે. પોલીસે યાત્રા માર્ગે ભારે બંદોબસ્ત
તૈનાત કરી દીધો છે. બીજી તરફ ઓરિસ્સા સરકારે રવિવારે સવારે આદેશ જારી કર્યો હતો કે
કટક મ્યુનિસિપલ કોર્પોરેશન, કટક ડેવલોપમેન્ટ ઓથોરિટી અને અન્ય વિસ્તારમાં 24 કલાક ઈન્ટરનેટ
બંધ હેશે.