ટ્રમ્પની શાંતિ યોજનામાં વિઘ્ન : હમાસે 2000 કેદીઓની મુક્તિ માગી, ઈઝરાયલે શત્રો સરેન્ડર કરવા કહ્યું
ગાઝા સિટી તા.પ : અમેરિકાના રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પના ગાઝામાં શાંતિના રાગ વચ્ચે ઈઝરાયલે ગાઝાને ધણધણાવતો બોમ્બમારો કર્યો
છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝામાં યુદ્ધવિરામ માટે શાંતિ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો
હોવા છતાં ઇઝરાયલના હુમલા ચાલુ છે. શનિવારે ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 70 પેલેસ્ટિનિયનો
માર્યા ગયા હતા જેમાં સાત બાળકોનો સમાવેશ થાય છે.
ટ્રમ્પે નારાજગી સાથે જણાવ્યું હતું કે હમાસે કેટલીક
શરતો સ્વીકારી હતી અને તેથી બોમ્બમારો તાત્કાલિક બંધ કરવો જોઈએ. તાજેતરના અઠવાડિયામાં
ઇઝરાયલી આક્રમણથી ગાઝાની આશરે 10 લાખ વસ્તીને અસર થઈ છે જેના કારણે મોટી સંખ્યામાં
લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઇઝરાયલે ગાઝામાંથી
તેના સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે હમાસ કરાર સ્વીકારે
કે તરત જ યુદ્ધવિરામ અમલમાં આવશે અને બંધકો અને કેદીઓની આપ-લે શરૂ થશે.
હમાસે જણાવ્યું છે કે ઇઝરાયલે
બંધકોના બદલામાં 2000 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા પડશે. ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ
જણાવ્યું હતું કે હમાસે તેના શસ્ત્રો સોંપવા પડશે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો હમાસ
બંધકોને ટૂંક સમયમાં મુક્ત નહીં કરે તો હુમલાઓ ફરી શરૂ થશે.